એશિયાટિક સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં સિંહની પજવણીનો એક અત્યંત શરમજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જેણે વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રાત્રિના સમયે રેવન્યુ વિસ્તારના માર્ગ પર કેટલાક શખસો પોતાની કાર સિંહની પાછળ બેફામ રીતે દોડાવી રહ્યા છે. કારની હેડલાઇટના પ્રકાશે ડરેલો સિંહ પોતાનો જીવ બચાવવા રસ્તા પર ભાગતો જોવા મળે છે, જે દૃશ્યો ગીરના રાજાની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કરે છે.આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા વનવિભાગ હાલમાં આ વીડિયો કયા ચોક્કસ વિસ્તારનો છે અને ગુનેગારો કોણ છે તેની ટેકનિકલ તપાસ કરી રહ્યું છે.

વનવિભાગ દ્વારા ટીમ બનાવવામાં આવી
સિંહની પજવણીનો વીડિયો વાયરલ થતા ધારી ગીર પૂર્વના ડીસીએફ વિકાસ યાદવે તપાસના આદેશ આપ્યા છે અને જણાવ્યું છે કે આ પ્રકારની પજવણી રોકવા માટે હવે વનવિભાગને સાયબર સેલની ટ્રેનિંગ આપવી અનિવાર્ય બની છે. આ મામલે ઉના એસીએફ અને ત્રણ આરએફઓની એક વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી છે.