જામનગર શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ એક્શન મોડમાં છે. જામનગર સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડ દ્વારા સાધના કોલોની વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડીને ચાર શખ્સોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી હજારોની રોકડ રકમ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફ ગઈકાલે સાંજે પ્રોહિબિશન અને જુગાર વિરોધી પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ કાનાણીને ખાનગી બાતમી મળી હતી કે સાધના કોલોની મેઈન ગેટ પાસે કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે પંચોની હાજરીમાં રેડ પાડતા જુગારીઓમાં ફફડાટ મચી ગયો હતો.
પોલીસના દરોડા દરમિયાન ચાર આરોપીઓ ભારતીય ચલણી નોટોના નંબર પર ‘એકી-બેકી’ નામનો જુગાર રમતા ઝડપાયા હતા, જેમાં પોલીસે સ્થળ પરથી ૪૧ વર્ષીય યુસુફભાઈ મુસાભાઈ દેસરાણી, ૪૫ વર્ષીય દિનેશ ઉર્ફે ટકો રમણીકભાઈ લખીયર, ૫૮ વર્ષીય નિતીન ઉર્ફે કુરબાની ચમનભાઈ વશીયર અને ૫૧ વર્ષીય ભરતભાઈ ઉર્ફે ભીખાભાઈ વજશીભાઈ ડાંગરની અટકાયત કરી છે.વિશ્વ સમાચાર
પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. ૧૫,૩૦૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. જામનગર પોલીસે આ કાર્યવાહી દ્વારા સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જાહેરમાં અસામાજિક પ્રવૃત્તિ કરનારાઓને છોડવામાં આવશે નહીં.