અમરેલી જિલ્લાની શ્રી મેઘાપીપળીયા પે સેન્ટર શાળાની ધોરણ ૬ ની વિદ્યાર્થીની બોરીચા નીર રાહુલભાઈએ સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો છે. કપડવંજ તાલુકા સંઘ અને મહંમદપુરા પ્રાથમિક શાળા દ્વારા આયોજિત ‘વાર્તાનો વડલો’ સ્પર્ધામાં નીરબેને ધોરણ ૬ થી ૮ ના વિભાગમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ૧૫૦૦ રૂપિયાનું રોકડ પુરસ્કાર જીત્યું છે. આ સફળતા પાછળ માર્ગદર્શક શિક્ષિકા કાજલબેન પાનસુરીયાની મહેનત રંગ લાવી છે. રાજ્યના ૧૪ જિલ્લાની ૨૦૦ શાળાઓના ૪૦૦૦ થી વધુ બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં યુટ્યુબ લિંક દ્વારા વાર્તાઓ મોકલવામાં આવી હતી. મહાનુભાવો હસ્તે ઇનામ વિતરણ કરી બાળકોને પ્રોત્સાહિત કરાયા હતા. મોબાઈલના આ સમયમાં વિભક્ત પરિવારો વચ્ચે લુપ્ત થતી વાર્તાની સંસ્કૃતિને જીવંત રાખવા અને બાળકોમાં નૈતિક મૂલ્યો સ્થાપિત કરવા માટે આ પ્રોજેક્ટ એક આશાનું કિરણ સાબિત થયો છે.









































