અમરેલી જિલ્લામાં લોકશાહીનું પર્વ ઉજવવા માટે વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ આગામી ૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ જિલ્લા પંચાયત, ૧૧ તાલુકા પંચાયતો અને ૬ નગરપાલિકાઓ માટે સામાન્ય ચૂંટણીનું મતદાન યોજાશે. આ મતદાન પ્રક્રિયા સવારના ૭ઃ૦૦ કલાકથી સાંજના ૬ઃ૦૦ કલાક સુધી ચાલશે અને તેની મતગણતરી ૨૮ એપ્રિલના રોજ સવારે ૯ઃ૦૦ કલાકથી શરૂ કરવામાં આવશે. જિલ્લા કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ અંગેની વિસ્તૃત માહિતી આપી હતી અને નાગરિકોને મહત્તમ મતદાન કરવા અપીલ કરી હતી. ચૂંટણીના ગણિત પર નજર કરીએ તો, ૧૧ તાલુકા પંચાયતની ૧૯૦ બેઠકોમાંથી ૪ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જેમાં જાફરાબાદની ત્રણ અને બાબરાની એક બેઠકનો સમાવેશ થાય છે. બાકીની ૧૮૬ બેઠકો પર ૫૫૩ ઉમેદવારો મેદાનમાં છે. જિલ્લા પંચાયતની તમામ ૩૪ બેઠકો પર ૧૦૩ ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે. નગરપાલિકાઓની વાત કરીએ તો ૬ નગરપાલિકાઓમાં કુલ ૪૬૧ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે, જેમાં ધારી નગરપાલિકાનો વોર્ડ નંબર ૩ સંપૂર્ણ બિનહરીફ થયો છે. આ ભવ્ય આયોજન માટે ૫,૦૦૦થી વધુ પોલિંગ સ્ટાફ અને ૨,૬૦૦થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.જિલ્લામાં મતદારોની સંખ્યા પણ નોંધપાત્ર છે. જિલ્લા પંચાયત માટે કુલ ૮,૬૪,૮૮૦ મતદારો નોંધાયેલા છે, જ્યારે નગરપાલિકા વિસ્તારોમાં ૨,૦૭,૮૮૧ મતદારો છે. વહીવટી તંત્ર દ્વારા ઈ.વી.એમ. મશીનોની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં અંદાજે ૨,૯૮૦ જેટલા બી.યુ. અને સી.યુ. મશીનોનો ઉપયોગ થશે, જેમાં ૧૦ ટકા રીઝર્વ મશીનોનો પણ સમાવેશ થાય છે. મતદારો રિયલ ટાઇમ ડેટા રાજ્ય ચૂંટણી આયોગના અધિકૃત પોર્ટલ પર જોઈ શકશે. ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા વિશેષ સાવચેતી રાખવામાં આવી છે. મતદાન મથકો પર ઓ.આર.એસ. અને પ્રાથમિક સારવારની કિટ ઉપલબ્ધ રહેશે તેમજ ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સની સુવિધા પણ રાખવામાં આવી છે. વળી, સરકારી અને ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ મતદાન કરી શકે તે માટે ખાસ સવેતન રજા અથવા સમયની છૂટછાટ આપતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અંતમાં, જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સંવેદનશીલ કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્તની ખાતરી આપી હતી.










































