સાવરકુંડલા શહેરની નાવલી નદી કાંઠે વર્ષોથી રોજગાર કરતા નાના પાલા, કેબીનો અને લારીધારક વેપારીઓએ સ્થાનિક નગરપાલિકા અને ભાજપ શાસન સામે વિરોધ નોંધાવતા મહત્વનો નિર્ણય લીધો છે. નદી પર રીવરફ્રન્ટ પ્રોજેક્ટને કારણે પોતાના રોજગાર પર સંકટ ઊભું થતાં વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રિદ્ધિ સિદ્ધિ નાથ મહાદેવ મંદિરથી લઈને અમરેલી રોડ પીકઅપ બસ સ્ટેન્ડ સુધી નદી કાંઠે આશરે ૨૦૦ જેટલા પાલા, કેબીનો અને લારીઓ કાર્યરત છે. રીવરફ્રન્ટના ભાગરૂપે આ દુકાનો હટાવાશે તેવી શક્યતા ઉભી થતાં વેપારીઓ ચિંતિત બન્યા છે. અગાઉ ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા ૧૩૫ જેટલા પાલા, કેબીનોને દબાણ દૂર કરવા નોટિસ આપવામાં આવતા આ મુદ્દે વેપારીઓમાં અસંતોષ ફાટી નીકળ્યો હતો. આ પરિસ્થિતિ વચ્ચે વેપારીઓ ૨૧થી ૨૬ એપ્રિલ સુધી, એટલે કે મતદાનના દિવસ સુધી સતત પાંચ દિવસ બપોર બાદ પોતાના ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ પાંચ દિવસ દરમિયાન તેઓ શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપના વિરોધમાં અને કોંગ્રેસ પક્ષના સમર્થનમાં પ્રચાર કરશે.
વેપારીઓએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષને ખુલ્લો ટેકો આપ્યો છે. આગામી નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષની બોડી રચાય તે માટે તેઓ સક્રિય રીતે પ્રચારમાં જોડાયા છે. વેપારીઓના આ નિર્ણયને કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો વધ્યો છે અને ચૂંટણી પૂર્વે રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.









































