ડુંગરપુર અને ખડીયા નજીક આવેલા એક આશ્રમ પાસે ક્ષણિક આવેશ અને નશાની લતના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, જ્યારે હત્યા કરનાર બે શખ્સો જેલના સળિયા પાછળ ધકેલાયા છે. સામાન્ય અને નજીવી જેવી બોલાચાલીમાં હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યારા બંને મિત્રોને ઝડપી પાડ્યા છે.
જૂનાગઢના ડુંગરપુરમાં રહેતા ૪૦ વર્ષીય રફીકશાહ કરીમશાહ રફાઈ મજૂરી કામ કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતો હતો પરંતુ તેની એક નશાની લતે તેની જિંદગી બગાડી નાખી હતી. ગત ૧૬ તારીખની રાત્રિના સમયે બે મિત્રો મિલન સોલંકી અને અનિલ ગુજરાતી તેના ઘરના આંગણે આવ્યો હતો અને તેને નશો કરવા બાબતે લઈ ગયો હતો. ડુંગરપુર અને ખડીયાની વચમાં આવેલું ધના મહારાજના આશ્રમ પાસે આ ત્રણેય મિત્રો સાથે બેસી અને બાદમાં નશો કરીને સામાન્ય બોલાચાલીમાં ઉગ્ર બબાલ સર્જાઇ હતી.
ત્રણેય શખ્સો નશાકારક પદાર્થના સેવન માટે ભેગા થયા હતા. આ દરમિયાન કોઈ સામાન્ય બાબતે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી, જે થોડી જ વારમાં ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી. આવેશમાં આવીને મિલન સોલંકી અને અનિલ ગુજરાતીએ ત્યાં પડેલા લોખંડના પાઈપ વડે રફીકશા પર હુમલો કર્યો હતો. હુમલામાં રફીકશાના માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમજ પગ અને હાથમાં ફ્રેક્ચર થતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બાદમાં બંને મિત્રો મૃતદેહને ત્યાં જ મંદિર નજીક છોડી અને જતા રહે છે. વહેલી સવારે જ્યારે ત્યાં લોકોની ચહલ-પહલ શરૂ થઈ ત્યારે મૃતદેહ મળતા પોલીસને જાણ કરાઈ હતી.
ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા તેમજ તાલુકા પોલીસની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તરત જ મૃતદેહનો કબજા લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અંદાજિત બેથી ત્રણ કલાક સુધી સ્થળ પર જ એફએસએલ તેમજ પંચનામા સહિતની કામગીરી પોલીસે હાથ ધરી અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. સમગ્ર ઘટનાક્રમ સામે આવતા તાલુકા પોલીસ દ્વારા બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી આરોપી મિલન સોલંકી અને અનિલ ગુજરાતીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડવામાં આવ્યા છે અને તેની વધુ ઊંડાણપૂર્વકની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી મિલન સોલંકીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.