ક્રિકેટના મહાકુંભ ગણાતા IPLની મેચો પર હાલ હાર-જીતનો જુગાર રમાડતા તત્વો સક્રિય થયા છે, ત્યારે પોલીસે બાતમીના આધારે ટીંબી ગામે દરોડો પાડીને ક્રિકેટ સટ્ટો રમતા એક આરોપીને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. મળતી વિગતો મુજબ, ટીંબી ગામેથી પોલીસને બાતમી મળી હતી કે અમુક શખ્સો પોતાના આર્થિક ફાયદા માટે ઈન્ડિયન પ્રીમિયર લીગની લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાઈ રહેલી મેચ પર ઓનલાઈન સટ્ટો રમી રહ્યા છે. પોલીસે રેડ પાડતા ઘટનાસ્થળેથી અશરફભાઇ ઉર્ફે આદમ સતારભાઇ બમાણી રંગેહાથ પકડાઈ ગયો હતો. પોલીસે કાર્યવાહી દરમિયાન રોકડ રકમઃ રૂ.૧૭,૫૦૦, મોબાઈલ ફોન ૨ નંગ, સટ્ટાના હિસાબ લખેલી ચીઠ્ઠી અને પેન મળી કુલ રૂ.૨૮,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી.










































