ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતિમ દિવસે શાસક ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. અમદાવાદ અને વડોદરામાં કોંગ્રેસને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. વડોદરા જિલ્લાના ડભોઈમાં કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ ઉગ્ર અથડામણ થઈ હતી. કોંગ્રેસના કાર્યકરોએ સ્થાનિક ભાજપ ધારાસભ્ય શૈલેષ મહેતા સાથે ઝપાઝપી કરી હતી. પરિસ્થિતિ વધુ વણસી રહી હતી તે જાઈને ધારાસભ્યના અંગત મદદનીશ અજય મકવાણાએ તે વ્યક્તિને ધક્કો મારીને દૂર ધકેલી દીધો હતો. પોલીસે બાદમાં પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. બપોરે ૩ વાગ્યે ઉમેદવારી પાછી ખેંચવાની સમયમર્યાદા પૂરી થાય તે પહેલાં જ આ ઝઘડો થયો હતો. ભાજપે રાજ્યમાં ઘણી બેઠકો બિનહરીફ જીતી હતી, જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બે અને અમદાવાદની ત્રણ બેઠકોનો સમાવેશ થાય છે. ગુજરાતમાં ૧૫ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત કુલ ૩૯૩ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી ૨૬ એપ્રિલે યોજાશે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસના બે ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લેવાના પરિણામે બે ભાજપના કાઉન્સલરો બિનહરીફ જીત્યા હતા. ભાજપે ગ્રામીણ મ્યુનિસિપલ કાઉન્સલોમાં પણ ઘણી બેઠકો જીતી હતી. ડભોઈમાં, ભાજપ છોડીને કોંગ્રેસમાં જાડાયેલા સ્થાનિક ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ છેલ્લી ઘડીએ પક્ષ બદલી નાખ્યો હતો. જ્યારે તેઓ ઉમેદવારી પત્ર પાછો ખેંચવા માટે ઉમેદવાર સાથે પહોંચ્યા, ત્યારે એક વિચિત્ર પરિસ્થિતિ સર્જાઈ. કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ, કેટલાકે શૈલેષ સોટ્ટા પર હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો. શૈલેષ મહેતા (સોટ્ટા) એક શક્તિશાળી ધારાસભ્ય તરીકે જાણીતા છે અને તેમણે વડોદરાના રાજકારણમાં લાંબી ઇનિંગ્સ રમી છે.









































