રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના વૈભવનગર વિસ્તારમાં એક વૃદ્ધાની હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. એકલા રહેતા વૃદ્ધા લીલાબેનના ઘરે અજાણ્યા શખ્સો ચોરીના ઈરાદે ઘૂસ્યા હતા અને આ ઘટના બાદ સમગ્ર વિસ્તાર ભય અને શોકમાં ગરકાવ થયો છે. પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના રાત્રિના સમયે બની હોવાનું અનુમાન છે. જ્યારે તેઓ ઘરમાં એકલા હતા અને આસપાસનું વાતાવરણ શાંત હતું.
મળતી માહિતી મુજબ અજાણ્યા શખ્સો ચોરી કરવા માટે વૃદ્ધા લીલાબેનના ઘરે ઘૂસ્યા હતા. દરમિયાન વૃદ્ધા જાગી જતા પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. આ સમયે આરોપીઓએ તેમની પર હુમલો કર્યો અને ગળે ફાંસો આપી તેમની હત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન છે. હત્યા બાદ શખ્સોએ ઘરમાંથી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો દ્વારા પોલીસને તરત જ જાણ કરવામાં આવી હતી.
ઘટનાસ્થળે પહોંચેલી જામકંડોરણા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે અને ફોરેન્સિક ટીમને પણ તપાસ માટે બોલાવવામાં આવી છે. મૃતક લીલાબેન વૈભવનગરના સરપંચ રમેશભાઈ અજુડીયાના ભાભી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને સંભવિત શંકાસ્પદ લોકોની તપાસ શરૂ કરી છે. આ તરફ પરિવારજનોમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે અને ન્યાયની માંગ ઉઠી રહી છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી વધુ તપાસ શરૂ કરી છે.









































