વિરપુરમાંથી પોન્જી સ્કીમનો મોટો ભાંડો ફૂટ્યો છે. જુદી-જુદી લોભામણી યોજનાઓ બહાર પાડી રોકાણકારો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવનાર ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. વિરપુરમાં રહેતા અને છૂટક મજૂરી કરતાં અમિતભાઈ ગાજીપરાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે આઈપીસી, ધ પ્રાઈઝ ચીટ એન્ડ મની સરક્્યુલેશન સ્કીમ અને જીપીઆઇડી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આરોપીઓએ ૨૦૨૦ની સાલમાં દર મહિને રૂ.૧ હજાર એમ ચાલીસ માસ સુધી રૂ.૪૦ હજાર ભરવાની જય જલારામ માર્કેટિંગના નામે સ્કીમ બહાર પાડી હતી. પાકતી મુદ્દતે રૂ. ૫૦ હજાર અથવા તો તેટલી કિંમતનું બાઇક આપવાની જાહેરાત કરી હતી. ૨૦૨૦માં શ્રી જલારામ બચત સહકારી મંડળીના નામે દૈનિક બચત યોજના બહાર પાડી હતી. જે મુજબ રોજના રૂ.૧૦૦થી લઈ રૂ.૫૦૦ ભરવાના હતા જેના બદલામાં ૬ ટકા વ્યાજ આપવાની વાત કરી હતી.
આરોપીઓએ પહેલી સ્કીમ ૨૦૧૪ની સાલમાં જેકે એમએમ ઓટોના નામે સ્કીમ બહાર પાડી હતી. આ તમામ સ્કીમોમાં આસપાસના ગામના ઘણા લોકોએ રોકાણ કર્યું હતું. પરંતુ આરોપીઓએ લોકોને સ્કીમ મુજબ પૈસા આપ્યા ન હતા. જ્યારે રોકાણકારોની પાકતી મુદત આવી ત્યારે આરોપીઓએ રૂપિયા પરત કરવાને બદલે તે રકમ પોતાના (મોજશોખ) અંગત ઉપયોગમાં વાપરી નાખી હતી. આશરે ૭ લાખથી વધુની છેતરપિંડી ફરિયાદ મળતાં જ વીરપુર પોલીસે ગુનો નોંધ્યો હતો. વીરપુર પોલીસે ગુનો નોંધીને ભોગ બનનારને પોલીસનો સંપર્ક કરવાની અપીલ કરતા કેટલાક ભોગ બનનાર લોકો આજે પુરાવા સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
પોલીસે આ મામલે વિપુલ મેવાડા, કરણ મેવાડા, જીવણ ઉર્ફે લાલો, ભૂપત બાંભવા, જલેવ ઉર્ફે જલો અને અનિલ માટીયાની ધરપકડ કરી છે. હાલમાં સ્પેશિયલ સેશન્સ કોર્ટે આરોપીઓના ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વીરપુર પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે જા કોઈ અન્ય નાગરિક આ ટોળકીનો ભોગ બન્યો હોય, તો તે પુરાવા સાથે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે.
પહેલી સ્કીમ ૨૦૧૪ના વર્ષમાં શરૂ કરી હતી. જ્યારે બીજી સ્કીમ ૨૦૨૦ના વર્ષમાં શરૂ કરી હતી. તેમજ ત્રીજી સ્કીમ ૨૦૨૨ના વર્ષમાં શરૂ કરીને નાના લોકોને લોભામણી લાલચ આપી ઠગાઈ આચરી હતી.
છ ભોગ બનનાર સામે આવ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધી જે પોલીસે ભોગ બનનારને પોલીસનો સંપર્ક કરવાનું કહેતા ૨૦૦ જેટલા ભોગ બનનાર લોકો ડાયરી લઈને વીરપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. મુખ્ય સૂત્રધાર ફરાર હોવાથી તેમને પકડવા ટીમો બનાવાઇ છે.








































