અમરેલી જિલ્લામાં અકસ્માતની વધુ બે ઘટના નોંધાઈ હતી. સાવરકુંડલા તાલુકાના ઓળીયા ગામે બેફામ દોડતા વાહને એક માસૂમ બાળકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. શેરીમાં રમી રહેલા બાળકને મોટર સાયકલ ચાલકે ગફલતભરી રીતે ઠોકર મારતા બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અંગે મુકેશભાઇ કાળુભાઇ બગડા (ઉ.વ.૩૫) એ પુનિતભાઇ મનુભાઇ પેથાણી સામે ફરિયાદ નોંધાવી હતી. ગત તારીખ ૧૪ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સવારના આશરે સાડા દસેક વાગ્યે ઓળીયા ગામમાં આ ઘટના બની હતી. ફરિયાદીનો દીકરો ગામની શેરીમાં હતો, ત્યારે તે જ ગામના પુનિતભાઇ મનુભાઇ પેથાણીએ પોતાના હવાલાની મોટર સાયકલથી તેને ટક્કર મારી હતી.જેમાં જમણા હાથની કોણીના ભાગે ગંભીર ફ્રેક્ચર થયું હતું. ઈજાની ગંભીરતાને જોતા બાળકને ઓપરેશન કરાવવાની નોબત આવી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.વી.શિયાળ વધુ તપાસ કરી રહ્યા છે. બીજી ઘટનામાં અમરેલીમાં રહેતા મયુરભાઈ ઉર્ફે લાલજી હિંમતભાઈ માલવીયા (ઉ.વ ૩૫) એ અજાણ્યા ફોર વ્હીલ ચાલક સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ તથા સાહેદ મોટર સાયકલ લઇને અમરેલી ખાતે સુર્યા ગાર્ડન તરફ જતા હતા તે દરમ્યાન સામેથી એક અજાણ્યો વાહન ચાલક પોતાના હવાલાની ફીરવ્હીલ કાર પુરઝડપે ચલાવીને આવ્યો હતો અને તેમને ટક્કર મારી હતી. જેમાં તેમને બંનેને ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જી ચાલક ફરાર થઈ ગયો હતો.










































