આફલાટોક્સિન પ્રત્યેની ઉદાસીનતાનાં કારણોઃ-
ભારતમાં ખેડૂતો, વેપારીઓ તેમજ ગ્રાહકોમાં આફલાટોક્સિનની સમસ્યા અને તેના નુકસાનકારક પ્રભાવ અંગે પૂરતી જાગૃતિ જોવા મળતી નથી. તેના મુખ્ય કારણો નીચે મુજબ છે.
• ચોક્કસ દ્રશ્યમાન લક્ષણોનો અભાવઃમગફળીના દાણા અથવા શીંગની સપાટી પર ફૂગનો સ્પષ્ટ વિકાસ ન થાય ત્યાં સુધી આફલાટોક્સિનની હાજરી નરી આંખે ઓળખી શકાતી નથી. તેથી દૂષિત પેદાશ ઘણીવાર સામાન્ય અને સારી ગુણવત્તાની જણાય છે.
• ઉત્પાદનમાં સીધું નુકસાન ઓછુંઃ આફલાટોક્સિનના સંક્રમણથી સામાન્ય રીતે પાકની ઉપજમાં નોંધપાત્ર ઘટાડો થતો નથી. પરિણામે ખેડૂતોને તેની અસરનો તાત્કાલિક અનુભવ થતો નથી અને સમસ્યાની ગંભીરતા પ્રત્યે પૂરતું ધ્યાન અપાતું નથી.
• તેલ ઉત્પાદન સાથે સંકળાયેલી માન્યતાઃભારતમાં મગફળીનો મુખ્ય ઉપયોગ ખાદ્ય તેલના ઉત્પાદન માટે થાય છે. તેલ નિષ્કર્ષણ અને શુધ્ધિકરણની વિવિધ પ્રક્રિયાથી તૈયાર થતું હોવાથી આફલાટોક્સિન તેલમાં જતું નથી, જેના કારણે તેલની ગુણવત્તા પર તેની સીધી અસર ઓછી જોવા મળે છે. પરિણામે મગફળીમાં રહેલા આફલાટોક્સિનના જોખમને ઘણીવાર અવગણવામાં આવે છે.
તેમ છતાં, નિકાસલક્ષી મગફળી, મગફળી આધારિત ખાદ્ય પદાર્થો અને પશુઆહારમાં આફલાટોક્સિનની હાજરી ગંભીર આરોગ્ય અને વેપાર સંબંધિત પડકારો ઊભા કરી શકે છે. તેથી ખેડૂતો અને વેપારીઓમાં આ અંગે જાગૃતિ વધારવી અને યોગ્ય વ્યવસ્થાપન અપનાવવું અત્યંત જરૂરી છે.
આફ્‌લાટોકિસન ઉત્પન્ન થવાનાસંભવિત કારણો મગફળીના ડોડવા જમીનની અંદર વિકસતા હોવાથી તે આફલાટોક્સિન ઉત્પન્ન કરતી ફૂગના સંક્રમણ માટે સંવેદનશીલ બને છે. સામન્ય રીતે આફ્‌લાટોકિસન ઉત્પન્ન કરવા માટે જવાબદાર ફૂગ દરેક પ્રકારની જમીનમાં જોવા મળે છે. જે જમીનમાં પડેલ મૃત પાકના અવશેષો (કાર્બનિકપદાર્થો) પર વિકાસ પામે છે, પરંતુ
અનુકૂળ પરિસ્થિતિઓમાં તે મગફળીના ડોડવા અને દાણામાં પ્રવેશ કરીને આફલાટોક્સિન ઉત્પન્ન કરે છે. આસંક્રમણ માટેના મુખ્યસંભવિત કારણો નીચે મુજબ છેઃ
• રોગો અને ફૂગ સામે ઓછી પ્રતિકારક શક્તિ ધરાવતી જાતોનો વાવેતરમાં વધુ ઉપયોગ.
• ચેપ ગ્રસ્તબિયારણનો વાવેતર માટે ઉપયોગ. ચેપ ગ્રસ્ત દાણાની અંકુરણ ક્ષમતા સામાન્ય રીતે ઓછી હોય છે અને ઘણા દાણા જમીનમાં જ સડી જાય છે. આવા ચેપગ્રસ્ત બિયારણનો વાવેતર માટે ઉપયોગ કરવામાં આવે તો તેમાંથી નબળા અને અસ્વસ્થ છોડ વિકસે છે, જે ઘણીવાર ‘અફ્‌લારોટ’ રોગનો ભોગ બને છે. આવા છોડનો વિકાસ રૂંધાઈ જાય છે, છોડ ઠિંગણા રહી જાય છે અને પાંદડાં નાના તેમજ અણીદાર ટોચવાળા દેખાય છે. વધુમાં, આવા છોડમાં ફૂલ અને શીંગોની રચના યોગ્ય રીતે થતી નથી, જેના કારણે ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો થાય છે. ‘અફ્‌લારોટ’થી પીડિત છોડ અને ચેપગ્રસ્ત દાણામાં ફૂગનું સંક્રમણ વધુ ઝડપથી ફેલાય છે, જેનાથી આફલાટોક્સિનનું પ્રમાણ વધવાની સંભાવના રહે છે. (ક્રમશઃ)