સાવરકુંડલામાં છેલ્લા બે દિવસથી જામેલા વરસાદી માહોલ વચ્ચે અમુક વિસ્તારોમાં ભરાયેલા પાણીએ નાગરિકો માટે મુશ્કેલીઓ ઊભી કરી છે.ખાસ કરીને શહેરના બેઠકજી તરફ જતા મુખ્ય માર્ગ પર, જે બરોબર નાવલી નદીના કિનારે આવેલો છે, ત્યાં થોડા જ વરસાદમાં રસ્તાની બાજુમાં પાણીનો ભરાવો થઈ જાય છે. હાલ નાવલી નદી ખાતે ચાલી રહેલા રિવરફ્રન્ટ પ્રોજેક્ટની લગોલગ જ આ પાણી જમા થતાં દૂરથી જોતાં એવું લાગે છે જાણે રિવરફ્રન્ટનું કોઈ ‘તળાવ મોડેલ’ તૈયાર થયું હોય! આ વિસ્તારમાં લાંબા સમય સુધી વરસાદી પાણી ભરાયેલું રહેવાને કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં મચ્છરોનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, દૂષિત પાણી અને મચ્છરોના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. સંબંધિત તંત્ર દ્વારા આ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી.







































