અમરેલી જિલ્લાના સરંભડા ગામે જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશભાઈ પાથરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુવહાટીથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૨મો હપ્તો જાહેર કર્યો હતો, જેનાથી અમરેલી જિલ્લાના આશરે ૧.૫૦ લાખ ખેડૂતોના ખાતામાં સીધી સહાય જમા થઈ હતી. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું.આ કાર્યક્રમમાં ખેતીવાડી અધિકારી જીગ્નેશ કાનાણીએ મિલેટ એટલે કે જાડા ધાન્ય જેવા કે બાજરો, જુવાર અને રાગીના સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ સમજાવ્યા હતા. સાથે જ તેમણે આગામી ૧૮ થી ૨૧ માર્ચ દરમિયાન બદલાતા હવામાન અંગે ખેડૂતોને સાવચેત કર્યા હતા. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડા. વાઘાણીએ રાસાયણિક ખેતીના જોખમો સામે ચેતવણી આપી પ્રાકૃતિક ખેતી અપનાવવા હાકલ કરી હતી. પ્રગતિશીલ ખેડૂત કેતનભાઈ ખોયાણીએ પોતાના અનુભવો રજૂ કરતા જણાવ્યું હતું કે તેમના દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક મરચાંની માંગ છેક અમેરિકા સુધી છે.










































