સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામમાં રહેતો એક વેપારી ઓનલાઇન છેતરપિંડીનો શિકાર બન્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર ફ્રી ડિવાઇસ ઓફરની લાલચ આપી ગઠિયાઓએ વેપારી પાસેથી કટકે-કટકે કુલ એક લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ સામે આવી હતી.
ભાવીનકુમાર દિનેશભાઇ વોરા (ઉ.વ.૨૭) એ ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, વેપારીને ઇન્સ્ટાગ્રામ આઈડી ‘moneyon5014’ પરથી “Free Device Offer” નામે સ્વાઇપ મશીન અને બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ સ્કેનર મેળવવાની ઓફર મળી હતી. આ ઓફરના બહાને ગઠિયાઓએ વેપારીનો સંપર્ક કર્યો હતો. આ ઠગાઈમાં સામેલ શખ્સોએ પોતાની ઓળખ ‘Naveepy’ નામની કંપનીના પ્રતિનિધિ તરીકે આપી હતી. ફોન નંબર ૭૮૭૭૬૮૭૨૮૪ અને ૯૮૨૮૫૫૯૯૮૦ પરથી મોહિત નામના વ્યક્તિએ વાત કરી વેપારીનો વિશ્વાસ જીત્યો હતો. આ ઉપરાંત અન્ય મોબાઈલ નંબરો (૮૨૩૩૮૩૦૯૫૧ અને ૮૭૩૯૮૨૫૧૫૪) પરથી પણ સંપર્ક કરી વેપારીને લાલચ આપવામાં આવી હતી. ગઠિયાઓએ વેપારીને નવા આધાર કાર્ડ, પાનકાર્ડ કાઢવા તેમજ તેમાં સુધારા-વધારા કરવા માટે અને બેંકોમાં અલગ-અલગ એકાઉન્ટ ખોલવા માટેની આઈડી આપવાની લાલચ આપી હતી.
આઈડી અને ડિવાઇસ આપવાના બહાને આરોપીઓએ વેપારી પાસેથી જુદી-જુદી રકમના ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરાવ્યા હતા.વિશ્વાસમાં આવી ગયેલા વેપારીએ કુલ રૂ. એક લાખ ચૂકવી દીધા હતા, પરંતુ બાદમાં કોઈ આઈડી કે ડિવાઇસ ન મળતા અને સામેથી ફોન બંધ થઈ જતા વેપારીને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. પોલીસે ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઠગ ટોળકી સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.










































