અમરેલીના એક યુવકે મોરબીમાં નોકરી દરમિયાન હિસાબમાં પડેલી મોટી રકમની ઘટ અને વારંવારની ઉઘરાણીથી કંટાળી જઈ ઝેરી દવા પી લેતા ચકચાર મચી ગઈ હતી.
યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.અલ્પેશભાઇ અમૃતભાઈ મહેતા (ઉં.વ.૩૯) એ જાહેર કર્યા મુજબ, તેઓ મોરબી ખાતે આવેલી હ્યુન્ડાઈ કારના શોરૂમમાં નોકરી કરતો હતો. શોરૂમના હિસાબમાં અંદાજે રૂ. ૫ લાખની ઘટ આવતા શોરૂમ સંચાલકો દ્વારા યુવક પાસે આ રકમની સતત ઉઘરાણી કરવામાં આવી રહી હતી.
છેલ્લા બે મહિનાથી તેનો પગાર પણ શોરૂમ દ્વારા આપવામાં આવ્યો ન હતો. એક તરફ લાખો રૂપિયાની ઉઘરાણી અને બીજી તરફ પગાર ન મળતા યુવક ભારે માનસિક તણાવમાં હતો. વારંવારની કડક ઉઘરાણીથી કંટાળી જઈ, આખરે યુવકે અંતિમ પગલું ભરતા ખેતીમાં વપરાતી ઝેરી દવાની બોટલમાંથી દવા પી લીધી હતી.










































