રાજકોટ ગ્રામ્ય સાઇબર ક્રાઇમ સેલ દ્વારા ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ અંતર્ગત સાયબર ફ્રોડના નાણાંના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ગોંડલ એપીએમસીની પેઢીઓના નામે ખોલવામાં આવેલા અલગ અલગ કરંટ બેંક એકાઉન્ટ મારફતે સાયબર ફ્રોડના નાણાંની હેરફેર કરી કમિશન મેળવતા કુલ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ મામલે હાલ વધુ તપાસ હાથ ધરાઈ છે.
વિગતે વાત કરીએ તો, રાજકોટ ગ્રામ્ય સાઇબર ક્રાઇમ સેલ દ્વારા ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ અંતર્ગત ગોંડલની માર્કેટિંગ યાર્ડમાં જ્યોત ટ્રેડિંગ પેઢીના સંચાલક જય નાદપરા નામના વ્યÂક્તના જુદા જુદા કરંટ બેન્ક એકાઉન્ટમાં છેલ્લા દોઢ વર્ષમાં અંદાજિત ૧૯૫ કરોડથી પણ વધુના ટ્રાન્ઝેક્શન થયા હોવાની માહિતી મળી હતી. તેમજ તે અંતર્ગત ૬૫થી પણ વધુ સાયબર ફ્રોડને લગતી ફરિયાદો એનસીઆરપી પોર્ટલ ઉપર રજિસ્ટર્ડ થયેલી હોવાની માહિતી મળી હતી.આ માહિતીના આધારે તપાસ હાથ ધરતા ગોંડલ એપીએમસી ખાતે ખેત પેદાશોની લે-વેચ કરનારી અન્ય પેઢીના સંચાલકોના બેન્ક એકાઉન્ટમાં પણ શંકાસ્પદ વ્યવહારો થયા હોવાનું જણાઈ આવ્યું હતું. ત્યારે રાજકોટ ગ્રામ્ય સાઇબર ક્રાઇમ પોલીસની તપાસમાં છેલ્લા દોઢ વર્ષ દરમિયાન વિવિધ બેંક એકાઉન્ટમાં અંદાજિત ૩૮૦ કરોડ રૂપિયાનાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા હોવાના પુરાવા મળી આવ્યા હતા. આ મામલે વધુ તપાસમાં દેશભરના અલગ અલગ રાજ્યોમાંથી ૧૩૦ જેટલી સાયબર ફ્રોડ સંબંધિત ફરિયાદો નોંધાઈ હોવાનું પણ ખુલ્યું છે. ત્યારે કુલ ૬ લોકોની ધરપકડ કરાઈ છે.
ધરપકડ કરાયેલા આરોપીઓમાં જય નાદપરા, મનીષ કમાણી, પ્રવીણસિંહ પરમાર, આંગડિયા પેઢીના કર્મચારી મહેન્દ્રસિંહ જાડેજા અને મયુરસિંહ વાઘેલા તથા મધ્યસ્થની ભૂમિકા ભજવનારા ઋષિત રૈયાણીનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા પ્રમાણે સમગ્ર કૌભાંડના તાર હૈદરાબાદ સુધી જાડાયેલા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ ગ્રામ્ય સાઇબર ક્રાઇમ સેલમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પ્રકાશ ડાંગરની ફરિયાદના આધારે પડધરી પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલા આરોપીઓ સહિત કુલ ૧૦ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.ફરિયાદ મુજબ, ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલી ‘જ્યોત ટ્રેડિંગ’ નામની પેઢીના બેંક એકાઉન્ટ સામે એનસીઆરપી પોર્ટલ પર ૬૫થી વધુ ફરિયાદો નોંધાઈ હતી. તપાસ દરમિયાન ફેબ્રુઆરી ૨૦૨૪થી જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં આ એકાઉન્ટમાં ૧૯૫ કરોડથી વધુની રકમ જમા અને લગભગ એટલી જ રકમ ઉપાડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જે મામલે પોલીસે આરોપી જય નાદપરાની પૂછપરછ કરતા તેણે પોતે જ્યોત ટ્રેડિંગ તથા સોમ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ધરાવતો હોવાનું સ્વીકાર્યું છે. જેના નામે છ જેટલા કરંટ એકાઉન્ટ ખોલાવી એપીએમસી લાઇસન્સ સાથે લિંક કરાવ્યાની કબૂલાત આપી છે. જેથી ટેક્સ તથા રોકડ લેવડદેવડ સરળ બની શકે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી જય નાદપરા પોતે દુકાન ઉપર લોન લીધી હતી અને તેને ધંધામાં મંદી ચાલતી હતી, વધુમાં તેના ડિવોર્સની કાર્યવાહી પણ ચાલુ હોવાથી ઝડપથી રૂપિયાની જરૂર હતી, ત્યારે તેના મિત્ર મનીષ કમાણીએ તેને આ ગુનાહિત રસ્તો બતાવ્યો હતો. તેમજ કરંટ એકાઉન્ટ ખોલીને કઈ રીતે જીએસટી નંબર લેવો પડે અને બાદમાં પેઢીના એપીએમસી લાઇસન્સ સાથે બેન્ક એકાઉન્ટ લિંક કરાવવાથી કયા પ્રકારનો ફાયદો થશે તે પણ જણાવ્યું હતું.
આટલું જ નહીં, આરોપી મનીષ કમાણી દ્વારા ટ્રાન્ઝેક્શન દીઠ કમિશન અપાવવાની પણ લાલચ આપવામાં આવી હતી. મનીષ કમાણી દ્વારા ૧ લાખની સામે ૨૦૦ રૂપિયાનું કમિશન નાદપરાને આપવામાં આવતું હતું. તેમજ આ કેસમાં અન્ય એક આરોપી ઋષિત રૈયાણી દ્વારા હર્ષિલ શાહનો સંપર્ક કરાવીને સાયબર ફ્રોડના નાણા બેંક એકાઉન્ટમાં મેળવીને રોકડમાં કન્વર્ટ કરવાનું કામકાજ સોંપવામાં આવ્યું હતું. જે અંતર્ગત દસ મહિનામાં અંદાજિત ૧૦ લાખ રૂપિયાનું કમિશન પણ મળ્યું હતું.
આ સમગ્ર કૌભાંડમાં હૈદરાબાદના આદિલ ઉદ્દીન નામના વ્યકિતને મુખ્ય માસ્ટરમાઇન્ડ માનવામાં આવી રહ્યો છે જે હાલ ફરાર છે. જે અંગેની તપાસ કરતા હૈદરાબાદના આદિલ ઉદ્દીન નામના વ્યકિત ની આદિલ ટ્રેડર્સ નામની પેઢીનું વિડ્રોલ પેમેન્ટ પ્રવીણસિંહ પરમાર મારફતે મનીષ કમાણી કરાવતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓને ટ્રાન્ઝેક્શન દીઠ કમિશન આપવામાં આવતું હતું. તપાસ દરમિયાન મનીષ કમાણીના એકાઉન્ટમાં આશરે ૧૫૦ કરોડ, જ્યારે પ્રવીણસિંહ પરમારના એકાઉન્ટમાં ૩૦ કરોડથી વધુના વ્યવહારો નોંધાયા છે.
સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્ય સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ રવિ ગોધમે જણાવ્યું હતું કે, અત્યાર સુધી ૩૮૦ કરોડના ટ્રાન્ઝેક્શનમાંથી આશરે ૧૫ કરોડની રકમ અંગે સાયબર ક્રાઇમ ફરિયાદો નોંધાઈ છે. આરોપીઓને કમિશન પેટે કરોડોમાં રકમ મળ્યાની શક્યતા  હોવાનું પોલીસ માને છે. ફરાર આરોપીઓની શોધખોળ માટે
વિવિધ ટીમો કાર્યરત છે.