આગામી ૨૬ ફેબ્રુઆરીથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા યોજાવાની છે, ત્યારે આ પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા એક્શન પ્લાન જાહેર કરાયો છે. રાજ્યમાં ૧૫ લાખ ૨૭ હજાર ૭૨૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ત્યારે આ વખતે પ્રથમવાર દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષામાં કલાક દીઠ ૨૦ મિનિટ વધુ ફાળવાશે. એટલે કે ૩ કલાકના પેપરમાં વધુ એક કલાક દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળશે.
ગુજરાત રાજ્યમાં ધોરણ ૧૦ અને ૧૨ની ગુજરાત બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર થઈ ચૂક્્યો છે. રાજ્યમાં ૧૫ લાખ ૨૭ હજાર ૭૨૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાંથી ૯ લાખ ૭ હજાર ૧૭૫ વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ની પરીક્ષા આપશે. જ્યારે ૧ લાખ ૧૯ હજાર ૨૬૩ વિદ્યાર્થીઓ ધોરણ ૧૨ સાયન્સની તથા સામાન્ય પ્રવાહમાં ૫ લાખ ૧ હજાર ૨૮૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ત્યારે આ પરીક્ષાઓની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
બોર્ડે ધોરણ ૧૦માં વિદ્યાર્થીઓ માટે ૩૨૪૩ બિલ્ડીંગ ના ૧૦૦૬ સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરાયું છે. સાથે જ ૫૦૭૦ દિવ્યાંગ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ત્યારે આ વખતે પ્રથમવાર દિવ્યાંગ વિદ્યાર્થીઓને વિશેષ છૂટ મળવાની હોવાથી બોર્ડે તે અંગે પણ વિશેષ વ્યવસ્થા હાથ ધરી છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને આ વર્ષે પરીક્ષામાં પ્રતિ કલાક ૨૦ મિનિટનો વધુ સમય ફાળવાશે. એટલે કે ૩ કલાકના પેપરમાં વધુ એક કલાક દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળશે.
અમદાવાદમાં પરીક્ષાના એક્શન પ્લાન અંગે જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે, પરીક્ષાને લઈને આરોગ્ય વિભાગ, એસટી વિભાગ સહિતના તમામ સંલગ્ન વિભાગ સાથે સંકલન થઈ ચૂક્યું છે. અત્યાર સુધીમાં તમામ સ્ટ્રોંગ રૂમમાં હાજર રહેનાર સ્ટાફની ટ્રેનિંગ થઈ ચૂકી છે.
ખાસ અમદાવાદ શહેરની વાત કરીએ તો, શહેરમાં ૪૦ જેટલા વિજ્ઞાન પ્રવાહના બિલ્ડીંગ છે. જ્યારે ૧૧૬ જેટલા સામાન્ય પ્રવાહના અને ૧૯૧ જેટલા ધોરણ ૧૦ની પરીક્ષા માટે બિલ્ડીંગ છે. આમ કુલ મળી ૩૪૭ બિલ્ડીંગ માં ૯૫ હજાર ૬૮૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ ૮૧૫૨ છે.
આ તમામ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને આરોગ્યને લઈને કોઈ તકલીફ ન પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવશે. દિવ્યાંગ બાળકોએ કચેરી સુધી આવવું ન પડે અને તેમને સ્કૂલ પર જ લહિયાની મંજૂરી મળી જાય તેવો સફળ પ્રયોગ બે વર્ષથી ચાલે છે. આમ તમામ બિલ્ડીંગ પોલીસ બંદોબસ્ત સાથે અને સીસીટીવીથી સજ્જ રહેશે. તેવી માહિતી જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ આપી છે.








































