ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લીમીન (એઆઇએમઆઇએમ)ના પ્રમુખ અને ભારતીય રાજકારણમાં જાણીતા વ્યક્તિ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે ભારતમાં મુસ્લીમ વસ્તી ક્યારેય હિન્દુઓ કરતા વધી શકશે નહીં. તેલંગાણામાં મ્યુનિસિપલ ચૂંટણી પહેલા શુક્રવારે રાત્રે નિઝામાબાદમાં એક રેલીને સંબોધિત કરતી વખતે હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ આ નિવેદન આપ્યું હતું.
ઓવૈસીએ કહ્યું કે તેઓ રાજ્યસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરના ભાષણ સાંભળી રહ્યા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે વિશ્વની વસ્તી વૃદ્ધ થઈ રહી છે જ્યારે ભારતની વસ્તી યુવાન છે.એઆઇએમઆઇએમ વડા ઓવૈસીએ પ્રશ્ન કર્યો, “જો વડા પ્રધાનને પૂછવામાં આવે કે દેશની ૬૦ ટકા વસ્તી ૪૦ વર્ષથી ઓછી ઉંમરની છે, તો તેમણે (મોદીએ) તેમને રોજગાર આપવા માટે કયા પગલાં લીધા છે અને તેમણે તેમને કયા કૌશલ્ય શીખવ્યા છે?”
ઓવૈસીએ કહ્યું, “૨૦ વર્ષમાં, આ યુવા વસ્તી વૃદ્ધ થઈ જશે. આપણે એ પણ વિચારતા નથી કે મોંઘવારી કેટલી વધશે અને તેમણે કેટલો ખર્ચ કરવો પડશે. તેના બદલે, તેઓ કહે છે કે મુસ્લીમ વસ્તી વધી રહી છે. મુસ્લીમ વસ્તી સ્થિર થશે. ભારતમાં મુસ્લીમ વસ્તી ક્યારેય હિન્દુઓ કરતા વધી શકશે નહીં.” ઓવૈસીએ કહ્યું, “હવે તેઓ સમજે છે કે ૨૫-૩૦ વર્ષમાં, દેશની વસ્તી વૃદ્ધ થઈ જશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના વડા મોહન ભાગવત કહે છે કે ઓછામાં ઓછા ત્રણ બાળકો જન્મવા જાઈએ. જોકે તેઓ પોતે એવું નથી કરતા, તે અલગ બાબત છે.”
તેમણે કહ્યું, “પહેલાં એવું કહેવામાં આવતું હતું કે વસ્તી નિયંત્રણ માટે એક બિલ રજૂ કરવામાં આવશે, અને તેઓ મુસ્લીમોની ટીકા કરતા હતા. હવે તેઓ સમજી ગયા છે કે વસ્તી વૃદ્ધ થશે ત્યારે દેશ પર તેની શું અસર પડશે.”
ભારત સામે ટી ૨૦ વર્લ્ડ કપ મેચનો પાકિસ્તાન દ્વારા બહિષ્કાર કરવા અંગે, ઓવૈસીએ કહ્યું કે ભારત મેચનું આયોજન કરી રહ્યું છે, અને “નકામી” પાકિસ્તાની ટીમ કહી રહી છે કે તે ભારત સામે નહીં રમે. તેમણે કહ્યું, “તમારે તેમને (પાકિસ્તાનને) કહેવું જોઈતું હતું કે તમે અહીં કેમ આવ્યા છો અને જો તમે રમવા નથી માંગતા, તો ચાલો. પરંતુ તમે ફક્ત શાંતિથી બેઠા છો અને બધું સાંભળી રહ્યા છો.” ઓવૈસી ત્યાં અટક્યા નહીં. તેમણે મોદી સરકાર પર ચીન સાથેના સરહદી મુદ્દા પર મૌન જાળવવાનો પણ આરોપ લગાવ્યો.









































