રાગ – વૈરાગ
‘અરે, પણ તમે તો ખરા છો ભૈસાબ! હા કે નામાં કાંઈ ખબર પડે છે કે નહીં?’ તે બોલી ઊઠી, ‘હાલોને હવે કોઈ જોઈ જશેને તો હું ભૂંડી લાગીશ.’
‘નહીં.’ કહી કપડાં ધોવા લાગી ગયો. અડધા કલાકમાં કપડાં ધોઈ નાખ્યા. આમ પ્રેક્ટિસ તો પીટીસી કરવા ગયો ત્યારથી જ પડી ગઈ હતી, ત્યાં તો બધું કામ જાતે કરવું પડતું. શરૂમાં જોકે ફાવતું નહોતું. આમ પણ પોતે ક્યાં એટલો મોટો નબીરા કુટુંબનો હતો કે કપડાં ધોબીને આપવા જઈ શકે? જોડીના પાંચ રૂપિયા આપવા કરતાં એટલી રકમની બચત થઈ શકે. હર્ષદ ઘણીવાર કહેતો, આપણે સતત અભાવોમાં જ ઊછરવાનું છે આનંદ, પણ ખરેખર તો એમાં જ મજા છે નહીંતર તો હું કે તું બન્નેમાંથી ક્યાં કોઈ એન્જિનિયરિંગ કે મેડિકલમાં જવા માટે ટકાવારી નથી મેળવી શકતા? પણ આપણે આપણાં સ્વપ્નને કદાચ આમ જ મૂરઝાવી દેવાનાં છે. ઠીક છે, આ તો પીટીસી કર્યા પછી આપણને પ્રાથમિક શિક્ષકની નોકરી મળી જવાની છે. છતાં પણ હું તો આગળ વધવાનો જ છું. મારું લક્ષ્ય તો એન્જિનિયર થવાનું હતું, પણ હવે કોલેજ કરીને પોસ્ટ ગ્રેજ્યુએશન કરી હું કોઈ કોલેજમાં લેક્ચરર તરીકે જોડાઈ જઈશ એ નક્કી.’
આનંદને લાગ્યું કે હર્ષદની મહ¥વાકાંક્ષાઓ હજી એટલી જ ઊંચી છે. અઠવાડિયા પહેલાં જ્યારે ધરમપુર જેવા અતિ પછાત ગામડામાં શિક્ષકની નિમણૂકનો ઓર્ડર આવ્યો છતાંય તેણે તો તેને ખેલદિલીથી વધાવી લીધો હતો. આનંદે વિચાર્યું: પોતાને જે થોડું ઘણુંય કઠોર જીવન જીવવાની ટેવ પડી છે તે માત્ર હર્ષદને લીધે જ, બાકી પોતે એસએસસી કરીને પીટીસી પૂર્ણ કરી કદાચ અહીં સુધી પહોંચી ન શક્યો હોત!
અત્યારે લાગ્યું કદાચ પોતે સોનગઢ ટકી ગયો હોય તો હર્ષદને લીધે જ. બાકી પોતાનું કોઈ ગજું નહોતું. બે મહિને એક વાર ઘેર આવતો અને સોનગઢ જવા નીકળતો ત્યારે આંખો ભીની થઈ જતી. બા દિલાસો આપતી. પિતાજી શિખામણ આપતા, પણ હર્ષદ જે કંઈ આપતો એ અનન્ય હતું! એ નહોતો દિલાસો આપતો, ન શિખામણ આપતો પણ એ જે આપતો હતો એ માત્ર પ્યાર આપતો હતો. દોસ્તનો પ્યાર!
એડમિશન મળ્યું એ ટાણે પોતે આનાકાની કરતો રહ્યો. કાંતિભાઈએ સમજાવ્યો. બાએ પણ કહેવાનું હતું એ રીતે કહી દીધું. અંતે જયારે હર્ષદે તેને એક બાજુ બોલાવીને માત્ર પાંચ શબ્દોમાં જ કહી દીધેલું. એણે જે કાંઈ કહેલું તે અનન્ય હતું.
**
આજે બધું યાદ આવ્યું. હર્ષદે કહ્યું હતું, ‘તારે મારી જેમ જમીન છે? મિલકત છે? તું જો નહીં જ ભણે તો શું કરીશ? તારા પિતાજીની ઉંમર ?!! આનંદ, તારી ફરજ છે. તું હવે નાનો નથી. તારે સમજવું જોઈએ.’
તેને બધું યાદ આવી ગયું. તે સમયે બા શા માટે ભણવાનો આગ્રહ કરતી હશે? એ હવે સમજાયું. જો હર્ષદ ન હોત તો પોતે હજી બેકારીના ફાંસલામાંથી બહાર નીકળી જ ન શક્યો ન હોત, પણ પોતેય ક્યાં સમજી શક્યો હતો?
એક તો પોતે મોટી ઉંમરે થયેલું એકનું એક સંતાન છે. બચપણથી જ પિતાજીની છત્રછાયા ગુમાવી. કાંતિભાઈએ કૌટુંબિક જવાબદારી માથે લઈ લીધી હતી. કુટુંબના ભરણપોષણથી માંડી કમાવા સુધીની જવાબદારી! આવા સંજોગોમાં અભ્યાસ પડતો મુકાયો. અંતે મામા પાસે દોઢેક વરસ રહી કર્મકાંડનું શીખ્યા. એમ કરતા કરતા ફાવી ગયું. બન્ને નાની બહેનોને સારા ઠેકાણાં શોધીને વળાવી. ભાઈઓના પણ સંસાર સજાવ્યા, પણ જવાબદારી પૂર્ણ થયાના સંતોષના સુખનું સપનું વાગોળે ન વાગોળે ત્યાં તો પત્ની છોડીને હંમેશને માટે ચાલી ગઈ. જીવનસાગરમાં મઝધારે ચાલતી નૌકાને જેનો સાથ હતો એ સહારો અધવચ્ચે જ છૂટી ગયો.
યુવાનીને ઉંબરે આંખમાં ગોપેલા સમણાં જુએ ન જુએ ત્યાં જ વિલાઈ ગયા. કાંતિ ખરેખર ભાંગી પડયો, પણ એવા સમયે માએ દિલાસો આપ્યો. સંતાનમાં તો કંઈ હતું નહીં. ફરીવાર એક સાવ ગરીબ કુટુંબની કન્યા મળી. કુટુંબ પણ ખાનદાન હતું. કાંતિનો સતત ઈનકાર હતો, પણ માએ સમજાવ્યો. પૈસાની જરૂરત ઊભી થઈ. માએ નાના દીકરાઓ પાસે હાથ લંબાવ્યો,
પણ આ દીકરાઓ નામક્કર ગયા. અંતે માએ પોતાની ચૂડલી વેચીને દીકરાનાં લગ્ન કર્યા. ફરીવાર કાંતિના ઘરમાં એક સ્ત્રી-નિર્મળાનાં પાવન પગલા થયા. ઘર ફરી હરિતવંતુ જીવંત બન્યું. જોકે કાંતિ અને નિર્મળાની ઉંમર વચ્ચે દસ-બાર વરસનો તફાવત હતો, છતાં મનના મેળે ઉંમરના તફાવતને ભાંગી નાખ્યો, પણ બા પૌત્રનું મોઢું જોવા ન પામી શક્યા. આનંદ, નિર્મળાના પેટમાં જ હતો અને બા પૌત્રનું મોઢું જોવાની અધૂરી હોંશ સાથે જ સ્વર્ગ સિધાવી ગયા.
એ દિવસે કાંતિલાલ ધોધમાર રડી પડેલા. પહેલી પત્ની ગઈ, હવે ગઈ મા! જીવન સૂનું સૂનું થઈ ગયું. પોતે આ આઘાતમાં જ પાગલ થઈ જાત, પણ બીજી વખતની પણ પ્રેમાળ પત્ની નિર્મળાના ટેકાથી અકબંધ ટકી ગયા હોવા છતાં એનો આઘાત હૈયાને અને શરીરને એટલો તો લાગ્યો કે કાંતિલાલને લાગ્યું કે પોતાની ઉંમરમાં દસ
વરસનો એકસામટો વધારો થઈ ગયો છે. આર્થિક પરિસ્થિતિ એટલી બધી સધ્ધર નહોતી છતાં માનું કારજ ઊજળું કરી બતાવ્યું. માબાપથી વિશેષ કશું નથી એવી લાગણી પામીને એવી જ લાગણીથી પ્રસન્ન થઈ કદાચ પોતાની માનો આત્મા એટલો બધો પ્રસન્ન થયો હશે કે વળતે દહાડે નિર્મળાની કૂખે દૂધ જેવો દીકરો જન્મ્યો.
સિંહના બચ્ચા એકે હજારા. એ ઉક્તિ બરાબર એને લાગુ પડતી હતી. નામ પાડ્‌યું આનંદ. આનંદમાં ખરેખર આનંદ જેવા જ ગુણ હતા તે બધાને વહાલો થઈ પડ્‌યો!
કાંતિલાલ પોતાના અધૂરા સમણાં આનંદની આંખોમાં જોતા હતા. દીકરો કાલ સવારે મોટો થઈ જાશે. પછી ક્યાં પોતાને કોઈ તકલીફ જ રહેવાની હતી?
પણ ઉંમર હવે દેખાતી હતી. પંચાવન સતાવન વરસને આરેપારે હતા. ભાઈઓ સાથેનો વહેવાર કટ થઈ ગયો હતો. જોકે કાંતિલાલને એની હવે કોઈ પરવા નહોતી. પિતાની યાદે અને માની મમતાએ આનંદને વિહ્‌વળ બનાવી દીધો. તેની આંખો આંસુથી ભરાઈ ગઈ.
ભલે અહીં સારું છે છતાં પણ પિતાજી ઘરે પહોંચીનેય અહર્નિશ મારી ચિંતા જ કર્યા કરશે અને સાથોસાથ બાનો જીવેય દુઃખી થશે. લાવ, એક ટપાલ લખી નાખું. એમ વિચારતો વિચારતો ઊભો થવા ગયો ત્યાં જ રૂપા દાદરો ચડતી દેખાઈ.
આનંદ રૂપાને તાકી રહ્યો. બરાબર નાકની સીધી જ લીટીમાં વચ્ચે સેંથો પાડીને સરખા હિસ્સામાં ઓળેલા વાળ, વાળને છેડે બોરિયું, સુંદર નાસિકા, રતુંબડા હોઠ, સપ્રમાણ દેહયષ્ટિ, લીલીછમ ઓઢણીમાં એનું રૂપ સમાતું નહોતું. તે રૂપા ઉપરથી નજર હટાવી ન શક્યો. રૂપા પણ બે-ચાર પળ પૂરતી તેની સામે જ તાકી રહી, પણ પછી ટહુકી ઊઠી.
‘જમવાનું પીરસ્યુ છે. હાલો.’
‘બસ? આટલી વારમાં?’ આનંદથી બોલાઈ ગયું.
‘હા.’ કહી સહેજ હસી પડતાં તે દાદરો ઊતરી ગઈ.
આમ તો આટલી જ વાર નથી થઈ. વિચારમાં ને વિચારમાં પોણાબાર જેવું થઈ ગયું છે. કપડાં ધોવાથી ભૂખ પણ લાગી હતી. હવે એ નીચે ઉતર્યો. આસન પાથરેલું હતું, પાસે પીરસેલી થાળી હતી. ડાબી બાજુ પાણીનો લોટો અને પ્યાલો ભરેલો પડયો હતો. પીરસેલી થાળીમાં રહેલી વાનગીને તે તાકી રહ્યો. બાજરીના નાના નાના બે રોટલા, બે રોટલી, વાટકામાં દેશી આખા રીંગણાંનું તમતમતું શાક, ખજૂરા પડેલા રોટલામાં ઘીગોળના થપેડા, તળેલા મરચાં, સ્ટીલની રકાબીમાં રહેલા ઘી-ગોળ અને છાશનો વાટકો, પાસે પડેલી છાશની બોઘરણી.
આનંદે જમવાનું શરૂ કર્યું. રૂપા, બરોબર રસોડાના ઉંબરામાં જ બેઠી હતી. આનંદની દૃષ્ટિ તે બાજુ હતી. ઘણી વાર તો બન્નેની દૃષ્ટિ ટકરાઈ જતી હતી. આનંદના શરીરમાં મીઠી ઝણઝણાટી પ્રસરી જતી. રૂપા રોટલો લઈને પીરસવા આવી. આનંદે ઈનકાર કર્યો છતાં ગઈ કાલ રાતની જેમ આગ્રહ કરીને, ‘લ્યોને હવે, કપડાં ધોયાને એટલે ભુખ્યા થયા હશો.’ કહેતી રોટલો પીરસી ગઈ. આનંદ પાછી વળતી રૂપાને તાકી રહ્યો. ઓઢણી પીઠ પરથી અળગી થઈ ગઈ હતી અને ગૌર પીઠ ચોળીમાં ક્યાંય સમાતી નહોતી.
રૂપાને અચાનક ખ્યાલ આવ્યો. એણે ઓઢણી માથા પર ઓઢી લીધી. આનંદે જમી લીધું. હાથ થાળીમાં જ ધોઈ નાખ્યા.
રૂપા થાળી લઈ ગઈ. આનંદ મેડા ઉપર જવા લાગ્યો કે રૂપા ટહુકી ઊઠી, ‘હું ભાત લઈને વાડીએ જાઉં છું, ઘરનું ધ્યાન રાખજો અને બહાર જવું હોય તો આ તાળુંકૂંચી અહી પડ્યા છે તે ડેલે મારતા જાજોઃ’
‘હા, વાંધો નહીં.’ કહી આનંદ મેડે ચડી ગયો.
ઘડીક વાર પછી ઘરની પાછલી ખડકી ખોલી રૂપા નીકળી. એ રસ્તો બરાબર મેડાની સામેથી જ નીકળતો હતો. જે સીધો વાડીએ જ જતો હતો. આનંદ- યૌવનથી છલકાતી નદી જેવી ચાલી જતી રૂપાની ઊડ ઊડ થતી ઓઢણીને તાકી રહ્યો. (ક્રમશઃ)