એક હળવા ધક્કા સાથે ટ્રેન ઊભી રહી. બાદલગઢ આવી ગયું હતું. ત્રણ કલાકની મુસાફરીમાં આનંદને ઝોકું આવી ગયું. કાંતિલાલે તેને જગાડયો. ‘આનંદ, બાદલગઢ આવી ગયું.’ આનંદ જાગી ગયો. ઝટપટ ઊભો થયો ને બારીમાંથી નજર કરી તો ડબ્બા સામે જ બાદલગઢનું બોર્ડ દેખાયું. તેણે બિસ્તરો હાથમાં લીધો એ દરમિયાન કાંતિલાલે બેગ અને થેલો હાથમાં લીધા અને નીચે ઊતર્યા. આનંદ તેમની પાછળ દોરવાયો.
આનંદે સ્ટેશનને નિરખ્યું. આસપાસ નજર કરી. પિતાજી પાણીના પરબ પાસે ઊભા હતા. પાણી પી, ચહેરો ધોઈ રહ્યા હતા. તેમણે પાણીવાળા બહેનને પૂછ્યું, ‘ગામ કેટલું દૂર છે બહેન?
‘લગભગ અડધો-પોણો ગાઉ જેટલું થાય.’
‘કંઈ વાહન-બાહન મળશે?’
‘એક એક્કાવાળો હોય છે, પણ આજે તો એ પણ નથી. ગામ બહુ દૂર નથી. આ એક ધાર આડી છે.’
‘શું કરશું બેટા?’ કાંતિલાલે આનંદને પૂછ્યું.
આનંદે બિસ્તરો ખભે ચડાવ્યો અને બાપ-દીકરો ચાલતા થયા. આનંદે પાછળ ફરીને જોયું સ્ટેશન ઘણું દૂર રહી ગયું હતું.
ગામ આવ્યું ત્યારે સૂર્ય તો ક્યારનોય આથમી ગયો હતો. વાતાવરણમાં અષાઢી ભીનાશ તરવરતી હતી. ગામનું પાદર જોતાં આનંદને લાગ્યું કે કલ્પના કરતાં બાદલગઢ વધારે સમૃદ્ધ છે. દેશી અને વિલાયતી નળિયાવાળા ખોરડા ગ્રામ્ય પરિવેશને અનેરી આભા બક્ષી રહ્યા હતા. પાદરમાં એક ગૌધણ બેઠું બેઠું ડોકે બાંધેલી ઘંટડીઓની રણઝણ બજાવતું હતું. સામે પુરાણી દેરી ઉપર ઝાંખાપાંખા અક્ષરે “મારુતિનંદન” અક્ષરાંકન દીસતા હતા. ભગવી ધજા સાંજની હવામાં ફરફરતી હતી.
હવે રાવજીભાઈનું ઘર શોધવાનું હતું. શિક્ષકનો ઈન્ટરવ્યૂ આપ્યા પછી બાદલગઢનો ઓર્ડર આવશે એવું સ્વપ્નમાંય કલ્પ્યું નહોતું, પણ બાદલગઢનો ઓર્ડર આવ્યા પછી જવું કે ન જવું તેની ગડમથલમાં આનંદ અને કાંતિલાલ અવઢવમાં પડી ગયા હતા. ત્યાં જ ગામના મોભી ગણાતા કાળુભાઈ બરાબર તે જ દિવસે ઘરે આવી ચડ્યા ને વાત વાતમાં આનંદને નોકરી બારામાં પૂછ્યું, ‘કેમ આનંદ, ઈન્ટરવ્યૂ આપવા ગયો’તો પછી શું થયું?’
“કાલે જ ઓર્ડર આવ્યો.’
‘અરે વાહ, સારું. ખૂબ સરસ સમાચાર આપ્યા, પણ ક્યાં મૂક્યો છે એ તો બોલ.’
‘એ જ તકલીફ છે. જિલ્લાનું છેવાડાનું ગામ છે, બાદલગઢ!. કોઈ દિવસ નામેય સાંભળ્યું નથી.’
‘બાદલગઢ? તો તો રાજગઢ તાલુકાનું તો નહીંને?’
‘હા, હા, એ જ.’
‘અરે, ત્યારે શું કામ ચિંતા કરે છે? ત્યાં તો દુરના મારા ફઈબાના દીકરા ભાઈ રાવજીભાઈ રહે છે. બહુ ભલો આદમી છે. હું તને ચિઠ્ઠી કરી દઈશ. તારે કોઈપણ પ્રકારની ચિંતા નહિ રહે પછી કાંઈ? બધી જ વ્યવસ્થા થઈ જશે.’
અને એમણે ચિઠ્ઠી લખી આપી હતી. આમ તો એ સાથે જ આવવાનું કહેતા હતા, પણ આટલું બસ છે કહી, આનંદે એમનો આભાર માન્યો. કાળુભાઈ માટે આનંદને માન જન્મ્યું. આમ પણ આનંદ તરફ તો ગામમાં બધાને પ્રિયભાવ હતો. છતાં કાળુભાઈની લાગણી અનન્ય હતી. ખિસ્સામાંથી ચિઠ્ઠી કાઢી. આનંદે એક જુવાનને પૂછ્યું, ‘અમારે રાવજીભાઈને ત્યાં જવું છે, એમનું ઘર બતાવશો?’
“સીધે સીધા હાલ્યા જજો. વચમાં એક ગરબીનો ચોક આવે છે. ત્યાંથી સીધા ચાલજો ને પછી ડાબી શેરીમાં વળી જજો. શેરી પૂરી થાય ત્યાં જ એમની ડેલી છે. એ જ રાવજીભૈનું ઘર.’ એ જણ પોતાની ઉત્કંઠાને મનમાં દબાવી ન શક્યો એટલે પૂછી લીધું, ‘પણ તમે આમ કે’ની ‘પા થી?’
“હું અહીંયા શિક્ષક તરીકે આવું છું.’ કહી આનંદ હસ્યો. પેલા જુવાનને આનંદ થયો હોય એમ મોઢું હસું હસું થઈ રહ્યું.
બાપ-દીકરો ચાલતા થયા. પાંચ-સાત મિનિટ ચાલ્યા. પછી જે પ્રમાણે પેલા જુવાને કહ્યું હતું તે પ્રમાણે શેરીમાં વળી ગયા. દૂધિયા રંગની ડેલી હતી. લગભગ આ જ હશે એમ વિચારી આનંદે ડોકાબારીમાંથી પૂછી લીધું, ‘રાવજીભાઈનું ઘર આજ કે?’
રાવજીભાઈ ફળિયામાં જ બેઠા હતા. કોઈ પોતાના ઘરનું પૂછે છે જાણી, ઊભા થતાં બોલ્યા, “એ હા. આવો, આવો.’
આનંદ અને કાંતિલાલ અંદર ગયા.
‘આવો, આવો, બેસો.’ કહેતાં એમણે ખાટલો ઢાળી દીધો. બાપ-દીકરો બેઠા.
‘એલા પાણી લાવજો.’ કહી તે બંને તરફ વારાફરતી તાકી રહ્યા, ત્યાં જ રાવજીભાઈના પત્ની પાણી લઈ આવ્યા્. બંનેએ પાણી પીધું. એ દરમિયાન આ દંપતી બાપ-દીકરા બંનેના હાવભાવ તાકતું રહ્યું.
પાણી પી’ને કાંતિભાઈએ વાતની શરૂઆત કરતાં કહ્યું, ‘મારું નામ કાંતિ. આ મારો દીકરો આનંદ. પ્રતાપપુરથી આવીએ છીએ. પ્રતાપપુરનું નામ પડતાં જ રાવજીભાઈના ચહેરા પર આનંદના ભાવ પ્રગટી ગયા. એ કાંઈ બોલે એ પહેલાં કાંતિભાઈએ કહ્યું, ‘મારા દીકરાને અહીં માસ્તરની નોકરી મળી છે, એટલે આવ્યા છીએ. પહેલાં એમ હતું કે આટલે બધે આઘે નથી જવું, પણ કાળુભાઈએ ચિઠ્ઠી લખી આપી એટલે હરમત કરી છે. લ્યો, આ તમારા ઉપરની એમની ચિઠ્ઠી.’
‘અરે ભલા માણસ, કાળુભાઈ જેવાનું ખાલી નામ આપ્યું હોય તોય પૂરું થઈ રહે. એમાં ચિઠ્ઠી-બિઠ્ઠી લાવવાની ન હોય સમજ્યા?’ એમ કહેતાં તેમણે બૂમ પાડી, ‘અરે રૂપા.’
‘ એ હા, બાપુ..”
કોઈ મંજુલ ટહુકો આનંદના કર્ણપટ સુધી વિસ્તરીને આવી ચડયો. આ કોણ હતું? જેના મંજુલ સ્વર ટહુકાએ આનંદને ભીતર બહારથી આખેઆખો
ઝંકૃત કરી દીધો.
સહસા તેણે અવાજની દિશામાં જોયું. આનંદની આંખો ઓસરીની ધારે જ મંડાઈ રહી. એક સત્તરેક વરસની કન્યા ઊભી હતી. એણે એક હાથમાં ચોટલાના ફૂમતાને પકડયું હતું.
‘રૂપા… બેટા, રૂપા એક સારું ગોદડું આ ખાટલા પર પાથરી દેજે’
‘હા બાપુ.’
‘અને જો પછી, ચા-પાણી મૂકજે.’
‘હા બાપુ.’ કહી તે અંદર ચાલી ગઈ અને તરત જ એક ધોળું બાસ્તા જેવું ગોદડું લેતી આવી. કાંતિભાઈએ વિનયપૂર્વક ના પાડી પણ અંતે એમને રાવજીભાઈની પ્રેમહઠ આગળ ઝૂકવું જ પડયું. રૂપા ગોદડું પાથરીને ચાલી ગઈ ને થોડીક વારમાં જ ચાની કીટલી ભરીને લાવી.
ચા-પાણી પિવાઈ ગયા. દરમિયાન રાવજીભાઈ અને કાંતિભાઈ વ્યાવહારિક વાતો કરતા રહ્યા. આનંદ વચ્ચે હોંકારા પૂરતો હતો, એને લાગ્યું કે કાળુભાઈએ સાચા માણસની શોધ કરી આપી છે! રાવજીભાઈનો સ્વભાવ મમતાળુ હતો. ઘરમાં નાનકડો વૈભવ આળોટતો હતો, છતાં તેનો ઓછાયો આંખમાં નહોતો. નહોતો કોઈ આડંબર કે અભિમાન. નિજની મસ્તી અને મહેનતમાં રાચનારા રાવજીભાઈની નિખાલસતા આનંદને પહેલી જ મુલાકાતમાં સ્પર્શી ગઈ.
અંધારું તો અવનિ ઉપર ક્યારનુંય પથરાઈ ચૂક્યું હતું. વાળુપાણી તૈયાર થઈ ગયા. કાંતિભાઈને શનિવાર હતો એટલે જમવાનું નહોતું. આનંદ જમવા બેસી ગયો. ભૂખ પણ ખૂબ લાગી હતી. રાવજીભાઈ પડખે જ જમવા બેઠા હતા. ખૂબ આગ્રહ કરી કરીને જમાડ્યો. એમના પત્ની કંકુબહેન પણ હેતાળવા હતાં અને કુદરતી પરિસરમાં બનતી રસોઈમાં મીઠાશ પણ એટલી જ અદ્ભુત હતી.
કાંતિભાઈ માટે રાવજીભાઈએ બીજી વાર ચા બનાવવાનું કહ્યું. કાંતિભાઈએ ઘણી ના પાડી છતાં પણ કંકુબેન ચા બનાવી લાવ્યા. ભેંસના ઘાટા રગડા જેવા એકલા દૂધની ચા પીને કાંતિભાઈ પણ તૃપ્ત થઈ ગયા. નવ સવા-નવે જમી પરવારીને રૂપાએ ફળિયામાં ખાટલા ઢાળી દીધા હતા. કાંતિભાઈએ રાવજીભાઈ આગળ નિશાળના આચાર્ય આગળ જવાની ઈચ્છા પ્રગટ કરી. આપણે જરા જતા આવીએ રાવજીભાઈ. હેડ માસ્તરને મળતા આવીએ, શું છે એમનું નામ?’
‘ચંદુભાઈ. પણ માણસ એટલે કહેવા પડે. ! તમારે આનંદભાઈને વાંધો નહીં આવે, પણ હવે સવારે જ મળવા જજોને.’
‘સવારમાં તો મારે પહેલી ગાડીમાં જ નીકળી જવું છે.’
‘એમ હું નહીં જાવા દઉં.’
‘એક યજ્ઞનું કામ રાખ્યું છે. રાત્રે એક ઠેકાણે કથા પણ છે એટલે જવું પડે એમ છે. પછી આવીશ ત્યારે ચોક્કસ રોકાઈશ, બસ?’
રાવજીભાઈ કંઈ બોલી ન શક્યા એટલે કાંતિભાઈએ ઊભા થતાં કહ્યું, ‘હું મળતો આવું. ભલામણ કરતો આવું. અડધા કલાકમાં પાછા આવી
આભાર – નિહારીકા રવિયા જઈશું.’
‘તમતમારે નિરાંતે મળીને આવજો. એ તો દરિયાઉ હૈયા જેવો આદમી છે. આનંદભાઈને જોઈને રાજી થશે જોજોને.’
બંને ગયા. ચંદ્રકાન્ત આનંદને જોતો જ રહી ગયો. (ક્રમશઃ)









































