સાવરકુંડલામાં વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર-૧૦૦% નિઃશૂલ્ક મલ્ટી-સ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે છેલ્લા ૪ વર્ષથી આંખનો વિભાગ સફળતાપૂર્વક કાર્યરત છે. અહીં છેલ્લા એક વર્ષથી ડો. મૃગાંક પટેલ ફૂલટાઇમ આંખના રોગોના અનુભવી નિષ્ણાત તરીકે સેવા આપે છે. અહીં જટીલ મોતિયો, વેલ તથા આંખમાં છારી બાજી જવાના ઓપરેશન નિયમિત કરવામાં આવે છે. તાજેતરમાં જ અહીં એક અનોખો અને રસપ્રદ કેસ આવ્યો કે જેમાં ૬૬ વર્ષીય મહિલા છેક સુરતથી બતાવવા માટે આવેલ. તેમને છેલ્લા દોઢ મહિનાથી આંખની પાંપણમાં ખુબ જ દુખતું હતું, ખૂબ ખંજવાળ આવતી હતી અને આંખ લાલ રહેતી હોવાથી તેમને ઊંઘ પણ નહોતી આવતી. આ મહિલાએ સુરતમાં બે થી ત્રણ હોસ્પિટલોમાં બતાવેલ પરંતુ કોઈ ફરક પડ્યો ન હતો અને કોઈ ચોક્કસ નિદાન થયેલ નહિ. ડા. મૃગાંક પટેલ દ્વારા મહિલાની આંખની જીણવટપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું તે ખરેખર આશ્ચર્યજનક હતું. જેમાં મહિલાની બંને આંખની પાંપણમાં ૨૫૦ જેટલા જીવિત જંતુ (માથાની જુ) હતા!!! આ માટે ઓપરેશન કરી જંતુઓને તાત્કાલિક કાઢવા પડે તેમ હતા. ડો પટેલે ઇન્જેક્શન વિના ટીપા નાખીને અતિ-આધુનિક માઈક્રોસ્કોપ વડે ખૂબ ધીરજપૂર્વક દોઢ કલાક સુધી આ ઓપરેશન કર્યું હતું. બંને આખમાંથી આ જંતુના ૮૫થી વધુ ઈંડા કાઢવામાં આવ્યા હતા. આ જટિલ ઓપરેશન બાદ તુરંત જ મહિલાને ખૂબ રાહત થઇ હતી અને તરત જ રજા આપવામાં આવી હતી. બીજા જ દિવસે મહિલાની આંખ એકદમ ચોખ્ખી અને તંદુરસ્ત હતી તેમજ મહિલાને ઊંઘ પણ ખૂબ સરસ આવી હતી. મહિલાના પરિવારે ખુશ થઇને સહુ સ્ટાફ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી હોવાનું મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. પ્રકાશ કટારીયાની યાદીમાં જણાવવામાં આવ્યું હતું. પાંચ મહિના અગાઉ પણ આઠ વર્ષીય બાળકને આ પ્રકારની ફરિયાદ હતી. તેનું ઓપરેશન આ હોસ્પિટલમાં ડો. મગન પટેલે કરીને ૨૫થી વધુ જુ કાઢી હતી. આમ, આ બંને કેસ સમગ્ર તબીબી જગત માટે કુતુહલનો વિષય છે અને નાગરિકો માટે આરોગ્યસંભાળ વિશે જાગૃતિ માટેનો પણ છે.









































