કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા ભારે નુકસાન બાદ તંત્ર સહાય પ્રક્રિયાને ઝડપી બનાવવા સક્રિય બન્યું છે. રવિવારે રજાના દિવસે પણ અમરેલી તાલુકા પંચાયત કચેરીમાં અધિકારીઓ અને કર્મચારીઓએ હાજર રહી કામગીરી હાથ ધરી હતી. તાલુકાના વિવિધ ગામોમાં થયેલા ખેતી પાકના નુકસાન અંગે ગ્રામ પંચાયતો દ્વારા તૈયાર કરાયેલા રોજકામના અહેવાલોનું કલેક્શન કાર્ય ચાલુ છે. તંત્રની ટીમો દ્વારા અહેવાલો એકત્રિત કરીને સહાય માટે જરૂરી પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, ખેડૂતોને વહેલી તકે વળતરની સહાય મળી રહે તે માટે તમામ વિભાગો વચ્ચે સંકલન સાથે કાર્ય થઈ રહ્યું છે.










































