દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસતા વરસાદે જિલ્લામાં પૂર જેવી પરિસ્થિત ઊભી કરી છે. ખાસ કરીને વલસાડ શહેર, વાપી, દમણ ગંગા કિનારો અને કપરાડા તાલુકા વરસાદના ઘેરા પ્રભાવ હેઠળ આવી ગયા છે.વલસાડ જિલ્લાના મહત્વપૂર્ણ મધુબન ડેમની જળસપાટી વધી જતાં સુરક્ષા હેતુસર ડેમમાંથી ૧.૩૦ લાખ ક્યુસેક જેટલું પાણી છોડાયું છે. જેના કારણે દમણગંગા નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ છે. નદીના કિનારે આવેલા સિલવાસ, વાપી, નામધા ગામ અને દમણના સમુદ્રકાંઠે વસતા લોકોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. નદીનું પાણી ઘરોની નજીક પહોંચતાં લોકોમાં ભયનું વાતાવરણ છવાયું છે.વલસાડ શહેરમાં વરસાદના પાણીએ સૌથી વધુ અસર કરી છે. શહેર સાથે ૪૦ જેટલા ગામોને જાડતો છિપવાડ અંડરપાસ અને મોગરાવાડી અંડરપાસ પાણીથી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. અંડરપાસમાંથી પસાર થતી અનેક કાર, બાઈક અને રીક્ષા પાણીમાં ફસાઈ ગઈ હતી. વાહનોના એન્જિન બંધ પડતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી.વલસાડ શહેરના મુખ્ય એમજી રોડ બજારમાં પાણી ભરાઈ જતા દુકાનોમાં પાણી ઘૂસી ગયું હતું. વેપારીઓના માલસામાન ભીંજાઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે. રોડ પર પાણી ભરાઈ જતાં વાહનોના ટાયર સુધી પાણી આવી પહોંચ્યું હતું. વેપારીઓએ તંત્રને તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે.વલસાડ જિલ્લાના પર્વતીય વિસ્તાર કપરાડામાં ભારે વરસાદથી નદી અને નાળાઓ ઉફાન પર આવી ગયા છે. કપરાડાની મોટી–નાની નદીઓમાં ઘોડાપૂર આવતા કપરાડા–મહારાષ્ટÙ બોર્ડર અને દાદરા–નગર હવેલી બોર્ડર તરફ જતા રસ્તાઓ બંધ થઈ ગયા છે. ખાસ કરીને ગાઢવી અને ગાળવી ગામનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે.જિલ્લા વહીવટી તંત્ર મુજબ, સતત વરસતા વરસાદ અને ઉપરવાસ વિસ્તારમાં પાણીની આવક વધતાં કુલ ૧૯૭ જેટલા રસ્તા બંધ થઈ ગયા છે. જેના કારણે ૮ થી ૧૦ ગામોમાં લોકો સંપર્કવિહીન બની ગયા છે. શાળાઓ બંધ રાખવામાં આવી છે તથા તંત્ર દ્વારા લોકોને અનાવશ્યક બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે.વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા વહીવટીતંત્ર, પંથક પોલીસ અને આરોગ્ય વિભાગ સતર્ક બની ગયાં છે. નદી–નાળાની આસપાસ રહેતા લોકોની સુરક્ષા માટે તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે. ઘણા ગામોમાં ફાયર વિભાગની ટીમ તૈનાત કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ નૌકાની મદદથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે.વરસાદથી સામાન્ય લોકોનું દૈનિક જીવન પૂરતું ઠપ થઈ ગયું છે. શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર પર મોટો પ્રભાવ પડ્યો છે. રોજગાર અને ધંધા પર સીધી અસર થઈ રહી છે. દુકાનદારો અને નાના વેપારીઓને સૌથી વધુ નુકસાન સહન કરવું પડી રહ્યું છે.  ગામડાંમાં ખેતરો પાણીમાં ગરકાવ થઈ જતાં ખેતીને પણ મોટું નુકસાન થયું છે.વલસાડ જિલ્લામાં વરસી રહેલા મુશળધાર વરસાદે શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તાર સુધી હાહાકાર મચાવ્યો છે. એક તરફ દમણગંગા નદીમાં મધુબન ડેમના પાણી છોડાતા ભયજનક સ્થિત સર્જાઈ છે, તો બીજી તરફ કપરાડામાં નદીઓ–નાળાઓમાં ઘોડાપૂર આવતા અનેક ગામો સંપર્કવિહીન થઈ ગયા છે. કુલ ૧૯૭ જેટલા રસ્તા બંધ થવાથી પરિવહન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.