રાજુલા તાલુકાના ધારેશ્વર ધાતરવડી ડેમમાંથી નગરપાલિકા માટે પીવાના પાણીની પાઇપલાઇન નાખવા માટે GUDC વિભાગ દ્વારા પ્રાઇવેટ કંપની “વીસી પ્રોજેકટ એન્ડ ઇન્ફ્રા”ના કોન્ટ્રાકટર દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી કામ ગોકળગાય ગતિએ ચાલતું હતું. અંતે માર્ગ-મકાન વિભાગનો રોડ તોડીને પાઇપલાઇન નાખવા માટેની કામગીરી શરૂ કરતા વિવાદ સર્જાયો છે. અહીં સ્થાનિક સરપંચોથી લઈ આગેવાનો દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં કોન્ટ્રાકટર દ્વારા કોઈ ગંભીરતા લેવાતી નથી. નાના-મોટા અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે. રાત્રીના સમયે બાઇક ચાલકો અંદર ઘૂસી જાય છે. સેફટીના સાધનો નથી. ઉપરાંત સ્થાનિક લોકોએ તો કોન્ટ્રાકટર માથાભારે હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. હાલ મોટાભાગે માર્ગ ઉપર મોટી ગટરની સાથે માર્ગ મકાન વિભાગને મોટું નુકસાન કરી દીધુ છે તેમ છતાં કોઈ કાર્યવાહી નહિ કરતા ભારે નારાજગીનો માહોલ સ્થાનિક વિસ્તારમાં ઉભો થયો છે. આ અંગે રાજુલા માર્કેટીંગ યાર્ડના ચેરમેન જીજ્ઞેશભાઈ પટેલ દ્વારા આ મુદ્દો મુખ્યમંત્રી અને સ્થાનિક ધારાસભ્ય સુધી પહોંચાડવામાં આવ્યો છે. તેમણે આ અંગે કાયદેસરની કાર્યવાહીની માગણી કરી છે. ધારેશ્વરના સરપંચ દિલીપભાઈ સોજીત્રાએ જણાવ્યું કે, આ વિજપડીથી રાજુલા જવાનો રસ્તો છે. અહીં સાતથી આઠ અકસ્માતો થયા છે. સરકાર વહેલાસર તેની સામે કાર્યવાહી કરે તેવી અમારી માગ છે. વાવેરા ગામના ખેડૂત મુકેશભાઈ સોલંકીએ જણાવ્યું ‘મારા ખેતરમાં પાઇપ નાખેલી પડી છે, કોન્ટ્રાકટર જેમ ફાવે તેમ નાખે છે, હું મારા ખેતરમાં ખેતી નથી કરી શકતો.’ રાજુલા આરએન્ડબી વિભાગના અધિકારી અભિજીતસિંહ ગોહિલે જણાવ્યું કે, ‘અમે સ્થળ ઉપર વિઝીટ કરી છે. માર્ગ ઉપર નુકસાન પહોંચાડ્યું છે. GUDC વિભાગને નોટિસ આપી છે. અમે કામ બંધ કરવા માટે પણ કહ્યું છે પરંતુ GUDC તરફથી અમને જવાબ મળ્યો નથી. લોકોની પણ રજૂઆતો અમારા સુધી આવી છે.’










































