ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન નિમિત્તે ઉજવાતા શિક્ષક દિનની એસ.એચ. ગજેરા કેમ્પસમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે શાંતાબેન હરિભાઈ ગજેરા સ્કૂલ, ચંપાબેન વસંતભાઈ ગજેરા સ્કૂલ અને જ્ઞાન શક્તિ રેસિડેન્સી સ્કૂલ આૅફ એક્સલન્સના વિદ્યાર્થીઓએ સ્વયં શિક્ષક બનીને શાળાનું સંપૂર્ણ સંચાલન કર્યું હતું. આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓ વિષય શિક્ષક, પ્રિન્સિપાલ અને સુપરવાઈઝરની ભૂમિકામાં જોવા મળ્યા હતા. તેમણે અભ્યાસ અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓનું સંચાલન કરી શિક્ષકના કાર્યની જવાબદારી અનુભવી હતી. આ કાર્યક્રમમાં કુલ ૧૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નિર્ણાયકો દ્વારા શિક્ષક બનેલા વિદ્યાર્થીઓને તેમના વર્ગ સંચાલન અને શિક્ષણના આધારે રેન્ક આપવામાં આવ્યા હતા. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી મનસુખભાઈ ધાનાણી, મંત્રી ચતુરભાઈ ખૂંટ અને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ ઉપસ્થિત રહી સ્ટાફ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.







































