અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો દ્વારા ધમકીઓ આપવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. શાળાઓ, કોર્ટ અને પાસપોર્ટ ઓફિસ બાદ હવે આ બોમ્બની ધમકીનો સિલસિલો ટ્રાન્સપોર્ટ વિભાગ સુધી પહોંચી ગયો છે. અમદાવાદ આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. ઘટનાને પગલે આખી કચેરી ખાલી કરાવી દેવામાં આવી છે. અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત, રાજકોટ અને પાટણની આરટીઓ કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. તેના લીધે રાજ્યના પાંચેય આરટીઓમાં દૈનિક કામગીરી ખોરવાઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, સોમવારે આરટીઓ કચેરીને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. ધમકી મળતા જ અધિકારીઓએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાણીપ પોલીસનો કાફલો ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સુરક્ષાના ભાગરૂપે પોલીસે તાત્કાલિક આખી આરટીઓ કચેરી ખાલી કરાવી દીધી હતી.
આ ધમકીને કારણે આરટીઓની રોજિંદી કામગીરી સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. સોમવાર હોવાથી મોટી સંખ્યામાં અરજદારો લ‹નગ લાયસન્સ, વાહન પાસિંગ અને ડ્રાઇવિંગ ટ્રેક ટેસ્ટ માટે કચેરીએ પહોંચ્યા હતા. પરંતુ સુરક્ષાના કારણોસર પોલીસે ટેસ્ટની કામગીરી અટકાવી દીધી હતી અને ટ્રેક ટેસ્ટ માટે આવેલા તમામ લોકોને પરત મોકલી દીધા હતા.
હાલમાં રાણીપ પોલીસની સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો આરટીઓ ખાતે પહોંચી ગઈ છે. કચેરીના દરેક રૂમ, પા‹કગ એરિયા અને આસપાસના પરિસરની સઘન તપાસ કરવામાં આવી રહી છે. કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે નહીં તે સુનિશ્ચિત કરવા માટે આખું પરિસર કોર્ડન કરી લેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અમદાવાદમાં અનેક મહત્વની સંસ્થાઓને આવી ફેક ધમકીઓ મળી ચૂકી છે. ત્યારે હવે આરટીઓને મળેલી આ ધમકી પાછળ કોઈની શરારત છે કે કોઈ મોટું કાવતરું, તે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
અમદાવાદ આરટીઓ બાદ હવે રાજકોટ આરટીઓ (પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી) ને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વહીવટી તંત્ર અને સ્થાનિક પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. આ ધમકીભર્યા મેસેજ બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી સમગ્ર કચેરી ખાલી કરાવી દેવામાં આવી છે. ઘટનાની ગંભીરતા પારખીને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ કરી હતી જા કે કોઇ શંકાસ્પદ વસ્તુ મળી ન હોવાનું જાણવા મળે છે.









































