ભારતીય રેલવે દ્વારા સ્ટેશન પરિસરની સ્વચ્છતા જાળવવા અને ગંદકી ફેલાવતી પ્રવૃત્તિઓને ડામવા માટે એક મોટો અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત રેલવે સ્ટેશન પર હવે જો કોઈ પણ મુસાફર થૂંકતા કે કચરો ફેંકતા પકડાશે, તો તેમને ભારે દંડનો સામનો કરવો પડશે. રેલવે સ્ટેશન પરિસરમાં કોઈપણ પ્રકારની ગંદકી ફેલાવવા બદલ હવે મુસાફરોએ પહેલા કરતા બમણો દંડ ચૂકવવાની તૈયારી રાખવી પડશે.
રેલવે વિભાગ દ્વારા સુધારેલા નવા નિયમો હેઠળ, ગંદકી કરવા પર લાગતા દંડની રકમમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ રેલવે સ્ટેશન પર ગંદકી ફેલાવવા કે થૂંકવા બદલ રૂ. ૫૦૦ નો દંડ ફટકારવામાં આવતો હતો, જે હવે વધારીને સીધો રૂ. ૧,૦૦૦ કરી દેવામાં આવ્યો છે. આ નવા નિયમ મુજબ, જો કોઈ મુસાફર સ્ટેશન પરિસરમાં સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરતો જોવા મળશે, તો તેની પાસેથી સ્થળ પર જ ૧,૦૦૦ રૂપિયાની પેનલ્ટી વસૂલવામાં આવશે.
રેલવે તંત્ર આ મામલે સહેજ પણ બાંધછોડ કરવાના મૂડમાં નથી. જો કોઈ વ્યક્તિ ગંદકી કરતા પકડાય અને દંડ ભરવાનો ઇનકાર કરે કે આનાકાની કરે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને કેસ સીધો કોર્ટ સુધી જશે. આ નવા નિયમનો કડકાઈથી અમલ શરૂ થઈ ચૂક્યો છે. નિયમ લાગુ થતાં જ ઉધના અને સુરત રેલવે સ્ટેશને ચેકિંગ દરમિયાન નવા નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરીને ૨ લોકોને પેનલ્ટી ફટકારીને દાખલો પણ બેસાડવામાં આવ્યો છે.








































