સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષીય યુવતીને ૩૮ વર્ષીય પરિણીતે સ્નેપચેટ પર ખોટું નામ ધારણ કરી પ્રેમજાળમાં ફસાવી હતી. એક વર્ષ યૌનશોષણ કર્યા બાદ તે પરિણીત હોવાનો ભાંડો ફૂટી જતાં ધાકધમકી અને બ્લેકમેલ કરી નાના ભાઈ સાથે બળજબરી પરણાવી દીધી હતી. જોકે લગ્ન બાદ પણ યુવતીને સંબંધ રાખવા દબાણ અને બળાત્કાર કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

પ્રતિક છ મહિના પહેલાં યુવતીને પોતાના નાના ભાઇ સાથે લગ્ન કરાવી પોતાના જ ઘરમાં જ લઇ આવ્યો હતો. નાના ભાઇના લગ્ન નહિ થતાં હોવાથી વાત છુપાવવા માટે તેણે ઘરના એન.જી.ઓ.ની મદદથી બીજી જ્ઞાતિની યુવતી શોધી હોવાનું જણાવી પોતાની પ્રેમિકા હોવાનું છુપાવી પરિવારને પણ અંધારામાં રાખ્યો. લગ્ન બાદ યુવતી પોતાના પતિ સાથે વફાદાર રહેવા માગતી હોવા છતાં વાત જાહેર કરી દેવાની ધમકી આપી બળાત્કાર કરતો રહ્યો હતો. ત્રાસેલી યુવતી છેવટે સિંગણપોર પોલીસ મથકે પહોંચી હતી.

મળતી માહિતી પ્રમાણે સિંગણપોર વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષીય કોલેજિયન યુવતીની સ્નેપચેટ પર દોઢેક વર્ષ અગાઉ કન્સ્ટ્રક્શન સાઇટ પર સુપરવાઇઝર તરીકે નોકરી કરતા પ્રતીક (નામ બદલ્યું છે) સાથે મિત્રતા થઇ હતી. ૪૦ વર્ષીય એક પુત્રીના પિતા પ્રતીકે પોતે અપરિણીત છે એમ કહી પ્રેમજાળમાં ફસાવી ફરવાના બહાને શહેરના અલગ-અલગ વિસ્તારોની હોટલમાં લઇ જઈ લગ્નની લાલચ આપી અનેક વખત શરીરસંબંધ બાંધ્યા હતા. બ્યૂટી પાર્લરના કામની સાથે કોલેજમાં અભ્યાસ કરતી યુવતીએ લગ્નની વાત કરતાં પ્રતીકે પોતે પરિણીત હોવાનું અને એક પુત્રીનો પિતા હોવાથી લગ્નનો ઇનકાર કર્યો હતો, જેથી યુવતીએ પ્રતીક સાથેના સંબંધ પર પૂર્ણવિરામ મૂકયું હતું.

પરિણીત હોવાની હક્કીત છુપાવનાર નરાધમ પ્રતીકે એકાંત માણ્યું હતું, ત્યારના ફોટો કલીક કર્યા હતા, તે તેના ભાઈ અને પિતાને બતાવવા ઉપરાંત સોશિયલ મીડિયા પર વાઇરલ કરવાની ધમકી આપી બદનામ કરવાનું શરૂ કર્યું હતું. હવસખોર પ્રતિકે યુવતીને કહ્યું કે ‘આપણે જો સાથે રહેવું હોય તો તું મારા નાના ભાઇ સાથે લગ્ન કરી લે અને તું ના પાડશે તો હું ફોટા વાઇરલ કરી દઈશ’ એવી ધમકી આપી હતી, જેથી પ્રતિકની ધમકીને પગલે યુવતીએ તેના નાના ભાઈ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ છ મહિના સુધી પ્રતિકે યુવતી પર બળાત્કાર ગુજારવાનું ચાલુ રાખ્યું હતું.

છેવટે પ્રતિકની રોજબરોજની કનડગતથી યુવતી કંટાળીને ઘર છોડીને ચાલી ગઈ હતી અને હવસખોર પ્રતિકના જઘન્ય અપરાધ અંગે સિંગણપોર પોલીસમાં બળાત્કારની ફરિયાદ નોંધાતાં તેની ધરપકડ કરાઈ હતી. એક દિવસના રિમાન્ડ મેળવી તેની પૂછપરછ હાથ ધરાઈ છે.