શહેરના ઉનપાટિયા વિસ્તારમાં લગ્નના બીજા જ દિવસે એક યુવકે જીવન ટૂંકાવી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. લગ્ન બાદ પરિવાર અને સગા-સંબંધીઓમાં ખુશીનો માહોલ હતો, તે દરમિયાન જ યુવકના આપઘાતના સમાચાર મળતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. હજી યુવાને આ અંતિમ પગલું કેમ ભર્યું તે અંગેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
મળતી માહિતી મુજબ, ઉનપાટિયા વિસ્તારમાં રહેતા મહંમદ ઇસ્માઇલ નામના યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. ઘટનાની જાણ થતાં પરિવારજનો તેમજ આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારબાદ યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાની કાર્યવાહી કરવામાં આવી હતી, જાકે તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, યુવકના લગ્નને હજુ માત્ર એક જ દિવસ થયો હતો. લગ્નના બીજા જ દિવસે યુવકે આ પગલું ભરતા પરિવારજનો તેમજ સંબંધીઓ પણ આઘાતમાં સરી પડ્યા છે. લગ્નના પ્રસંગની ખુશી અચાનક માતમમાં ફેરવાઈ જતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, મહંમદ ઇસ્માઇલે કયા કારણોસર આપઘાતનું પગલું ભર્યું તે હાલ સ્પષ્ટ થયું નથી. યુવકના આપઘાત પાછળ કોઈ પારિવારિક, અંગત કે અન્ય કારણ જવાબદાર છે કે કેમ તે અંગે પણ હાલ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.
ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજા મેળવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે હાલ અકસમીક મોતનો ગુનો નોંધી વધુ તપાસ કરવામાં આવી રહી છે. યુવકના પરિવારજનો, સંબંધીઓ તેમજ નજીકના લોકોની પૂછપરછ કરીને આપઘાત પાછળના સંભવિત કારણ અંગે માહિતી મેળવવામાં આવી રહી છે.