વડીયા તાલુકાના અરજણસુખ અને તોરી વિસ્તારમાં સિંહણના હુમલાની ઘટનાઓ બનતા એક વનકર્મી સહિત પાંચ લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને સારવાર માટે અમરેલીની શાંતાબા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજ્યના કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ હોસ્પિટલની મુલાકાત લઈ ઘાયલોની ખબરઅંતર પુછી પરિવારજનોને આશ્વાસન આપ્યુ હતું. વનકર્મી અનિરુધ્ધ વાળાએ મંત્રીને જણાવ્યુ કે, અમે સિંહણનો પીછો કરી રહ્યા હતા ત્યારે તેણે મારા હાથ પર મોઢું મારી દીધું અને બેસી ગઈ હતી. સ્ટાફે લાકડી મારતા તે ઉભી થઈને ચાલી ગઈ હતી. મંત્રીએ તબીબી સ્ટાફને ઘાયલોને સારી સારવાર આપવા સુચના આપી હતી. તેમજ વન વિભાગના અધિકારીઓને ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી માનવ-વન્યજીવ સંઘર્ષ રોકવા પગલા લેવા જણાવ્યું હતું.