સાવરકુંડલામાં નાવલી નદીના કાંઠે બિરાજમાન શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે દિવ્ય મહોત્સવ યોજાયો હતો. આ આયોજન માત્ર ધાર્મિક વિધિઓ પૂરતું સીમિત ન રહેતાં સાચા અર્થમાં માનવ સેવા અને જીવદયાનો અનોખો સંગમ બન્યું હતું. તાત્કાલિક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ પ્રસંગે અનેક સેવાકીય કાર્યો હાથ ધરાયાં હતાં. જેમાં પક્ષીઓ માટે વિનામૂલ્યે માટીના કુંડાનું વિતરણ, સર્વ રોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ તેમજ અંગદાન અને દેહદાનના સંકલ્પ પત્રો ભરાવવામાં આવ્યા હતા. મહોત્સવની શરૂઆત વિશ્વ શાંતિ માટે યોજાયેલા મહાયજ્ઞથી થઈ હતી.સાંજે સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ અને લોકડાયરાનું સુંદર આયોજન કરાયું હતું. નાના ઝીંઝુડાના મહંત પરમ પૂજ્ય મસા પીર બાપુના અધ્યક્ષસ્થાને હજારો ભાવિકોએ ભેદભાવ વગર મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. સમગ્ર આયોજનની સફળતા બદલ આશ્રમ પરિવારે તમામ દાતાઓ અને સ્વયંસેવકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.