સાવરકુંડલાના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. યાર્ડમાં દરરોજ અંદાજે ૨૦ હજાર ગુણી મગફળીની આવક નોંધાઈ રહી છે. મગફળીની મબલખ આવકના પગલે માર્કેટિંગ યાર્ડમાં ખરીદ-વેચાણની પ્રવૃત્તિઓએ વેગ પકડ્યો છે અને સમગ્ર યાર્ડ ધમધમી ઊઠ્યું છે. મગફળીની મોટી આવક વચ્ચે ખેડૂતોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે અને તેમની જણસના વેચાણની કામગીરી સરળતાથી પૂર્ણ થાય તે માટે યાર્ડ દ્વારા વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. ખેડૂતોની મગફળીની સમયસર હરાજી થાય તેમજ તોલમાપ સહિતની કામગીરી સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ કામગીરીમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી સહિત બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, સેક્રેટરી અને સમગ્ર કર્મચારીગણ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.





































