બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન લાંબા સમયથી ફિલ્મી પડદાથી દૂર હોવા છતાં અવારનવાર ચર્ચામાં રહે છે. તાજેતરમાં ઐશ્વર્યા તેના ભત્રીજા શિવાંશના જન્મદિવસની ઉજવણી માટે તેના માયકે પહોંચી હતી, જેના ફોટોગ્રાફ્સ તેની ભાભી શ્રીમા રાયે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
ગત કેટલાક સમયથી ઐશ્વર્યા અને તેની ભાભી શ્રીમા વચ્ચે મનમોટાવ હોવાની અફવાઓ ચાલી રહી હતી, પરંતુ સામે આવેલા ફેમિલી ફોટોઝે આ અફવાઓને પૂર્ણવિરામ આપ્યું છે. અગાઉ રક્ષાબંધનની ઉજવણી બાદ હવે ભત્રીજા શિવાંશના જન્મદિવસે ઐશ્વર્યા પોતાની પુત્રી આરાધ્યા અને માતા વૃંદા રાય સાથે ભાઈ આદિત્ય રાયના ઘરે પહોંચી હતી.
વાયરલ થયેલા ફેમિલી ફોટોમાં ઐશ્વર્યા વાદળી શર્ટમાં અને આરાધ્યા ડેનિમ આઉટફિટમાં જોવા મળી રહી છે. ભાભી શ્રીમા રાયે ફોટોઝ શેર કરતાં કેપ્શનમાં લખ્યું, “મારા વહાલા શિવાંશને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ! આવનારું વર્ષ વધુ આનંદ, પ્રકૃતિ સાથેનો સુંદર સમય અને ઘણા બધા આશીર્વાદ લઈને આવે. મને તમારા પર ગર્વ છે!” આ કૌટુંબિક તસવીરો જોઈને ઐશ્વર્યાના ચાહકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.









































