સાવરકુંડલા શહેરમાં આવેલા નવા માર્કેટ યાર્ડમાં આજે બપોરે આકસ્મિક આગ લાગવાની ઘટના સામે આવી છે. માર્કેટ યાર્ડના ફરસાણના કેબિનમાં આ આગ લાગી હતી. આ કેબિન મોલડીવાળા ભરતભાઈ ખુમાણની માલિકીનું હોવાનું જાણવા મળ્યું છે. આકસ્મિક આગની જાણ થતાં જ ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક દોડી આવી હતી. ફાયર વિભાગ દ્વારા આગને કાબુમાં લેવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને અંતે આગ પર સફળતાપૂર્વક નિયંત્રણ મેળવવામાં આવ્યું છે. જોકે, આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ અકબંધ છે અને વિશેષ વિગતો મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી, પરંતુ કેબિનમાં રહેલા માલસામાનને નુકસાન થયું હોવાનું અનુમાન છે.








































