બાબરા ગામની સીમમાં એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં એક કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અંગે ગઢડા તાલુકાના પીપરડી ગામના કુલદીપભાઈ ભરતભાઈ ખાચર (ઉ.વ.૨૮)એ જાહેર કર્યા મુજબ, સંદીપભાઈ મંગળુભાઈ ખાચર (ઉ.વ.૩૧)ની કાર માનવ જિંદગી જોખમાય તે રીતે બેકાબૂ ગતિએ બાબરાથી પીપરડી ગામ તરફ જઈ રહી હતી. કાર જ્યારે બાબરા અને દરેડ ગામની વચ્ચે પહોંચી, ત્યારે ચાલકે અચાનક સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. કાબુ ગુમાવવાના કારણે અલ્ટો કાર રોડ પર જ જોરદાર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર ચાલકને શરીરે નાની-મોટી છોલાણની ઈજાઓ થવા સાથે માથાના ભાગે ખોપડી ફાટી ગઈ હતી. ગંભીર ઈજાઓ થવાના કારણે ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બાબરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ એમ ગમારા વધુ તપાસ કરી રહ્યા છે.








































