ગુજરાતના રંગીલા શહેર રાજકોટમાં કાયદાના રક્ષક ગણાતા એક પોલીસકર્મીએ માનવતાની તમામ હદો વટાવી દીધી છે. પાડોશમાં રહેતી એક પરિણીતાને ડરાવી-ધમકાવી તેની પર છેલ્લા દોઢ વર્ષથી દુષ્કર્મ આચરનાર આરોપી પોલીસકર્મી ઇમરાન હબીબભાઈ રાઉમા સામે ગુનો નોંધાયો છે. પીડિતાએ રડતી આંખે પોતાની આપવીતી વર્ણવી હતી, જે સાંભળીને કોઈ પણ પથ્થર દિલના માણસનું કાળજું કંપી ઉઠે.
પીડિતાના જણાવ્યા મુજબ, આરોપી ઇમરાન તેમનો વર્ષો જૂનો પાડોશી હતો. તેણે ચાલાકીથી જાણી લીધું હતું કે પીડિતાના ઘરે તેના પિતા અને માસૂમ દીકરી સિવાય કોઈ નથી. એક રાત્રે જ્યારે પીડિતા ઘરે પહોંચી ત્યારે ઇમરાન પાછળથી ઘરમાં ઘૂસી ગયો અને મોઢું દબાવી તેને રૂમમાં ખેંચી ગયો. પીડિતાએ બચાવવા પ્રયત્ન કર્યો પણ નરાધમે તેના મોઢામાં ટી-શર્ટનો ડૂચો મારી બળાત્કાર ગુજાર્યો અને વાંધાજનક વીડિયો બનાવી લીધા.
આરોપી ઇમરાન સતત પોતાની વર્દીનો રોફ જમાવતો હતો. તે પીડિતાને ધમકાવતો હતો કે, “હું પોલીસમાં છું એટલે મારું કોઈ કંઈ બગાડી શકશે નહીં.” એટલું જ નહીં, તે પીડિતાના પ્રાઇવેટ પાર્ટ પર છરી મારવાની અને તેની દીકરીને વેચી નાખવાની ધમકીઓ આપી નરકાગાર જેવી સ્થિતિમાં રાખતો હતો.
આ ઘટનામાં સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે આરોપી પીડિતાની નાની દીકરી સામે પણ કપડાં કાઢીને અશોભનીય હરકતો કરતો હતો. આ ડરના માર્યા બાળકી પોતાની માતા પાસે આવતા પણ ડરે છે અને તેના દાદાને પૂછે છે, “મમ્મી જીવે છે ને? ઓલા માણસોએ મારી તો નથી નાખી ને?”
આરોપીએ પીડિતાનો મોબાઈલ પણ હેક કરી લીધો હતો અને તેના કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા લોકોને ગંદા મેસેજ મોકલી પીડિતાને ચરિત્રહીન સાબિત કરવાના પ્રયત્નો કર્યા હતા. આરોપીની પત્ની અને તેનો ભાઈ પણ પીડિતાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા.
અંતે, જ્યારે પીડિતાની હિંમત ખૂટી ગઈ ત્યારે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ તેની મદદે આવ્યા. રાજકોટ પોલીસ કમિશનરની ઓફિસે રજૂઆત કરવામાં આવી. જ્યારે પીડિતા ફરિયાદ કરવા ગઈ ત્યારે આરોપીનો પરિવાર હથિયારો સાથે પીડિતાના ઘરે હુમલો કરવા પણ પહોંચ્યો હતો, પરંતુ સદનસીબે પરિવાર બચી ગયો હતો.
પીડિતાએ આક્રોશ સાથે માંગ કરી છે કે, ખાખી વર્દીને લાંછન લગાડનારા આ શખ્સ સામે કડકમાં કડક કાર્યવાહી થાય જેથી બીજી કોઈ માતા કે દીકરીએ આવી પીડા ન ભોગવવી પડે.