સાવરકુંડલાના ખડસલી ખાતેની ખડસલી લોકશાળા ગાંધી વિચાર, સમૂહ શિક્ષણ, નઈ તાલીમ અને પ્રાકૃતિક કૃષિના સમન્વય સાથે વિદ્યાર્થીઓને સ્વાશ્રયી અને સ્વાવલંબી બનાવતી એક માધ્યમ તરીકે ઊભરી આવી છે. આ શાળામાં કાગળ પરના જ્ઞાન ઉપરાંત જીવનઉપયોગી મૂલ્યોનું જતન અને સંવર્ધન કરવામાં આવે છે. ધોરણ-૯ માં કોઈ પણ લાગવગ વગર ‘વહેલા તે પહેલા’ના ધોરણે પ્રવેશ આપવામાં આવે છે. બક્ષીપંચ અને ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક રૂ.૨૧,૦૦૦ લવાજમ રાખવામાં આવ્યું છે, જેમાં ભોજન, કમ્પ્યુટર ફી, બે જોડી ગણવેશ અને અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે. જ્યારે બી.સી. કેટેગરીના બાળકોને શિક્ષણ નિઃશુલ્ક આપવામાં આવે છે. કેમ્પસમાં જ આવેલી ગૌશાળાની ગીર ગાયોનું બે ટાઈમ ૨૦૦-૨૦૦ ગ્રામ શધ્ધ દૂધ અને સાત્વિક નાસ્તો-ભોજન બાળકોને પીરસવામાં આવે છે. કેમ્પસની વિશાળ જમીનમાં જીવામૃત આધારિત પેસ્ટીસાઈડ-મુક્ત સજીવ ખેતી કરવામાં આવે છે.