શેડુભાર ગામમાં ચાલી રહેલા રેલવે પ્રોજેક્ટની અધૂરી કામગીરી વરસાદી સિઝનમાં ખેડૂતો માટે મોટી મુશ્કેલી બની છે. ભારે વરસાદ બાદ રસ્તાઓ પર કાદવ અને માટી ભરાઈ જતાં અનેક ખેડૂતો બે દિવસ સુધી પોતાના ખેતરોમાં પહોંચી શક્યા નહોતા. જેના કારણે વાવણીની કામગીરી પર પણ સીધી અસર પડી હતી. ગામના સરપંચના પ્રતિનિધિ સુરેશભાઈ દેવચંદભાઈ કુંભાણીના જણાવ્યા મુજબ રેલવે લાઇનના કારણે હજારો વીઘા ખેતીની જમીન અલગ વિસ્તારોમાં આવેલી છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલ અને સુરક્ષા વ્યવસ્થાના અભાવે ખેતીના વાહનોની અવરજવર સંપૂર્ણપણે અટકી ગઈ હતી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અનેક રજૂઆતો છતાં સમયસર કાર્યવાહી ન થતાં ગ્રામજનોએ સ્વખર્ચે જેસીબી મંગાવી રસ્તો ફરી ચાલવા લાયક બનાવ્યો હતો. ગ્રામજનોએ રેલવે ટ્રેક નજીક પ્રોટેક્શન વોલ, વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા તેમજ શેડુભારથી જરખીયા સુધી કાયમી સીસી રોડ બનાવવાની માંગ કરી છે. ખેડૂતોએ સંબંધિત તંત્રને સ્થળ મુલાકાત લઈ ઝડપથી કાયમી ઉકેલ લાવવાની અપીલ કરી છે.








































