અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં આવેલા થુલેટા ચેક ડેમને લઈને વિવિધ માધ્યમોમાં ચાલી રહેલા અહેવાલો વચ્ચે જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ મહત્વનો ખુલાસો કર્યો છે. તેમણે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે થુલેટા ચેક ડેમના મૂળ સ્ટ્રક્ચરને કોઈપણ પ્રકારનું નુકસાન થયું નથી. ભારે વરસાદના કારણે ગેટ સ્ટ્રક્ચરની બાજુના પાળાનું ઓવરટોપિંગ થતાં માત્ર પાળાના એક ભાગનું ધોવાણ થયું છે, પરંતુ ડેમ સંપૂર્ણપણે તૂટી ગયો હોવાના અહેવાલો સાચા નથી.કલેક્ટરે જણાવ્યું કે વિરમગામ વિસ્તારમાં આશરે ૧૦ ઈંચ અને ઉપરવાસમાં ૮ ઈંચથી વધુ વરસાદ નોંધાતા ડેમમાં તેની ક્ષમતા કરતાં બમણી માત્રામાં પાણીની આવક થઈ હતી. સમયસર ગેટ ખોલવામાં આવ્યા હોવા છતાં પાણીનો પ્રવાહ અત્યંત વધુ હોવાથી પાળાનું ધોવાણ થયું હતું. તકેદારીના ભાગરૂપે વહીવટી તંત્રે નીચાણવાળા પાંચ ગામોના લોકોને અગાઉથી ચેતવણી આપીને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરાવ્યું હતું. આ ઝડપી કામગીરીના કારણે કોઈ જાનહાનિ કે મોટી દુર્ઘટના સર્જાઈ નથી. પાણીનું સ્તર ઘટ્યા બાદ આગામી એકથી બે દિવસમાં ધોવાયેલા પાળાના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
તો બીજી તરફ વિરમગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ અને થુલેટા ડેમની પાળ તૂટવાની ઘટનાને કારણે વ્યાપક તારાજી સર્જાઈ હતી, જેમાં કાયલા, વેકરીયા અને રુપાવટી સહિતના ગામોના ખેતરોમાં પાણી ફરી વળતા ડાંગર અને એરંડા સહિતના ઊભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. છેલ્લા ચાર દિવસથી નાની કિશોલ ગામ સંપૂર્ણપણે જળમગ્ન હોવાથી ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગામને જાડતો મુખ્ય રસ્તો ધોવાઈ જતાં સંપર્ક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે અને સામાન્ય જરૂરિયાત માટે પણ લોકોને અંદાજે ૨૦ કિલોમીટરનો લાંબો ચક્કર મારીને જવું પડી રહ્યું છે.ભારે વરસાદ અને ડેમના પાળાના ધોવાણ બાદ પાણીના કારણે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યું છે. વિશાળ કૃષિ વિસ્તાર જળબંબાકાર બનતા ઊભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. સમગ્ર વિસ્તારમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જાવા મળી રહ્યું છે. એક તરફ વહીવટી તંત્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે, તો બીજી તરફ અસરગ્રસ્ત ગામોના લોકો પાણી ઉતરે અને જનજીવન ફરી સામાન્ય બને તેની રાહ જાઈ રહ્યા છે.









































