સોશિયલ મીડિયામાં અજાણ્યા શખ્સ સાથે મિત્રતા કરીને તેના પર વિશ્વાસ કરવો કેટલો ભારે પડી શકે છે તેનો ચોંકાવનારો કિસ્સો વાપીમાં સામે આવ્યો છે. વાપી પોલીસે બે યુવકોની ધરપકડ કરી છે. તેમના પર આરોપ છે કે તેમણે એક યુવતીને મુંબઈની પાર્ટીમાં લઈ જઈને કેફી પીણું પીવડાવ્યું અને ત્યારબાદ તેના પર દુષ્કર્મ આચર્યું હતું.
વાપી પોલીસના જણાવ્યા અનુસાર વડોદરાની એક યુવતીને તેના પરિચિત યુવકે પાર્ટી માટે મુંબઈ બોલાવી હતી. આ યુવતી વડોદરાથી ટ્રેનમાં મુંબઈ ગઈ હતી અને પાર્ટી કરી હતી. પાર્ટી કર્યા બાદ આ યુવતી પાંચ યુવકો સાથે કારમાં મુંબઈથી સુરત તરફ આવી રહી હતી. તેમની કાર જ્યારે વાપી પહોંચી ત્યારે યુવતીની તબિયત અચાનક ખરાબ થઈ હતી.
વાપીના ડીવાય એસપી દવેના જણાવ્યા મુજબ, યુવતીની તબિયત ખૂબ જ ખરાબ થતા બે આરોપીઓ તેને હોસ્પિટલ છોડીને ફરાર થઈ ગયા હતા. તબીબોને જ્યારે આ યુવતીની પ્રાથમિક તપાસ કરી તો તેમને યુવતીના શરીર પર કેટલાક ઈજાના નિશાન મળી આવ્યા હતા. હોસ્પિટલના તબીબોને શંકા જતા અને ઘટનાની ગંભીરતાને જાતા તેમણે પોલીસને જાણ કરી હતી. દુષ્કર્મના આ કેસમાં વાપીની ઉમરા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, વડોદરાની એક ખાનગી શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતી યુવતી અને વડોદરાની જ અન્ય શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતા એક યુવક વચ્ચે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્ક થયો હતો. ઈન્સ્ટાગ્રામ પર પરિચય કેળવાયા બાદ બંને એકબીજાની નજીક આવ્યા હતા. ત્યારબાદ યુવકે યુવતીને સાથે લઈને મુંબઈ જવાનો પ્લાન બનાવ્યો હતો. યુવતી ટ્રેન મારફતે મુંબઈ ગઈ હતી, જ્યારે યુવક અન્ય રીતે મુંબઈ પહોંચ્યો હતો.
મુંબઈ પહોંચ્યા બાદ યુવકના અન્ય ચાર મિત્રો પણ તેમની સાથે જાડાયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારબાદ તમામે મળીને પાર્ટી કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ આ દરમિયાન યુવતીને કેફી અથવા નશીલું પીણું આપવામાં આવ્યું હોવાના આક્ષેપો થયા છે. યુવતી દ્વારા પોલીસ સમક્ષ આપવામાં આવેલા નિવેદનના આધારે સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.પોલીસે આપેલી પ્રાથમિક માહિતી અનુસાર, પાર્ટી દરમિયાન યુવતીએ વધુ પ્રમાણમાં દારૂનું સેવન કરી લીધું, ત્યારબાદ તેની તબિયત લથડવા લાગી હતી. સ્થિતિ ગંભીર બનતાં યુવક અને તેના મિત્રો યુવતીને પોતાની કારમાં મુંબઈથી સુરત તરફ લઈ જવા નીકળ્યા હતા. જોકે વાપી નજીક પહોંચતા યુવતીની તબિયત વધુ બગડતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
યુવતીની તબિયત લથડતા તેને વાપીને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન હોસ્પિટલના તબીબોને યુવતીના શરીર ઉપર શંકાસ્પદ ઈજાના નિશાન મળી આવ્યા હતા. મામલાની ગંભીરતાને જાતા હોસ્પિટલના તબીબોએ પોલીસને જાણ કરી હતી. હોસ્પિટલ પહોંચીને પોલીસે પીડિત યુવતીનું નિવેદન નોંધ્યું હતું. પોલીસ હાલ એ તપાસ કરી રહી છે કે યુવતી સાથે સામુહિક દુષ્કર્મ થયું હતું કે કેમ? તબીબ તપાસ અને મેડિકલ રિપોર્ટ બાદ જ આ હકીકત સામે આવશે તેવું પોલીસનું કહેવું છે. આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. સુરતના કાપડના વેપારી ફરીદ વાહીદ પોઠીયાવાલા અને વડોદરાના બિલ્ડર સફાન ઝફર શેખનો સમાવેશ થાય છે. પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજુ કર્યા હતા, જ્યાં કોર્ટે બંને આરોપીઓના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, ઘટનામાં સંડોવાયેલા અન્ય ત્રણ યુવકો વાપીમાંથી ફરાર થઈ ગયા હતા.










































