નેધરલેન્ડમાં વર્ક પરમિટ વિઝા અપાવવાની લાલચ આપી છ વ્યક્તિઓ પાસેથી કુલ ?૧૦.૫૭ લાખ વસૂલ્યા બાદ વિઝા ન અપાવવાના આરોપસર ખંભાત શહેર પોલીસે ત્રણ વ્યક્તિઓ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધ્યો છે. નોંધાયેલા આરોપીઓમાં આણંદ જિલ્લા અને ખંભાત શહેર ભાજપ યુવા મોરચાના બે હોદ્દેદારોનો પણ સમાવેશ થાય છે. સમગ્ર કેસની તપાસ હવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને સોંપવામાં આવી છે.
પોલીસ ફરિયાદ મુજબ, ફરિયાદી માલવ ભુપેશભાઈ પટેલને તેમના મિત્ર મારફતે જાણ થઈ હતી કે ખંભાતના મોચીવાડ વિસ્તારમાં ઓફિસ ધરાવતા હિરેનગીરી દિલીપગીરી ગોસ્વામી નેધરલેન્ડ માટે વર્ક પરમિટ વિઝાની પ્રક્રિયા કરાવે છે.ત્યારબાદ તેમની મુલાકાત ચિરાગ અરવિંદભાઈ ડોડિયા સાથે કરાવવામાં આવી હતી. ફરિયાદમાં આરોપ છે કે બંનેએ નેધરલેન્ડમાં કંપનીના વેરહાઉસમાં નોકરી, રહેવા-જમવાની સુવિધા અને અંદાજે ૬ લાખના ખર્ચે વર્ક પરમિટ અપાવવાની ખાતરી આપી હતી.
ફરિયાદ અનુસાર, શરૂઆતમાં એડવાન્સ રકમ લેવામાં આવી હતી અને બાકીની ચૂકવણી અંગે અલગ શરતો નક્કી કરવામાં આવી હતી. બાદમાં લાંબા સમય સુધી વિઝા ન મળતા અરજદારોએ પૂછપરછ શરૂ કરી હતી.આ દરમિયાન વડોદરાના દિવ્યેશ દિલીપભાઈ પટેલનું નામ પણ પ્રક્રિયા સાથે જાડાયેલ હોવાનું જણાવાયું હતું. ફરિયાદ મુજબ, વિઝા ન મળે તો તમામ રકમ પરત કરવાની ખાતરી સાથે કરાર પણ કરવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન અન્ય ત્રણ અરજદારો પાસેથી પણ સમાન રીતે રૂપિયા લેવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. કુલ છ વ્યક્તિઓ પાસેથી ૧૦.૫૭ લાખ મેળવ્યા હોવાનો આક્ષેપ છે. જાકે, ફરિયાદ મુજબ કોઈને પણ વર્ક પરમિટ વિઝા મળ્યો ન હતો અને રકમ પરત પણ કરવામાં આવી નહોતી.
આ મામલે ખંભાત શહેર પોલીસે હિરેનગીરી દિલીપગીરી ગોસ્વામી, ચિરાગ અરવિંદભાઈ ડોડિયા અને દિવ્યેશ દિલીપભાઈ પટેલ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને સોંપવામાં આવી છે. પોલીસ પુરાવા, નાણાકીય વ્યવહારો અને અન્ય સંબંધિત દસ્તાવેજાની તપાસ કરી રહી છે.