શહેરમાં પ્રેમ સંબંધનો કરુણ અને ભયાનક અંજામ લાવનારી એક ઘટનામાં અમદાવાદની સિટી સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. પાંચ વર્ષ જૂના પ્રેમ સંબંધનો અંત આવતા ઉશ્કેરાઈને પ્રેમી પર એસિડ હુમલો કરનાર ૩૯ વર્ષીય મહિલાને કોર્ટે ગુનેગાર ઠેરવી છે. આરોપી મહિલાને ૧૦ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા ૧ લાખનો આકરો દંડ ફટકાર્યો છે.
કેસની વિગત અનુસાર,એએમટીએસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા ૫૧ વર્ષીય વ્યક્તિને બસમાં જ મુસાફરી કરતી ૩૯ વર્ષીય મહેજબીનબાનું છુવારા નામની મહિલા સાથે ઓળખાણ થઈ હતી. સમય જતાં આ ઓળખાણ મિત્રતા અને ત્યારબાદ પ્રેમ સંબંધમાં પરિણમી હતી. જાકે, ફરિયાદી કંડક્ટર પરિણીત હોવાથી તેમના પરિવારને આ આડા સંબંધની જાણ થઈ ગઈ હતી.
કૌટુંબિક શાંતિ ખાતર કંડક્ટરે મહિલા સાથેના તમામ સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું અને છેલ્લા એક વર્ષથી તેની સાથે વાતચીત બંધ કરી દીધી હતી. પોતાની સાથે સંબંધ તોડી નાખવાના આ નિર્ણયથી નારાજ થયેલી મહેજબીનબાનુંએ બદલો લેવાનું નક્કી કર્યું હતું. વર્ષ ૨૦૨૪માં કાલુપુર રેલ્વે સ્ટેશન નજીક આવેલા એએમટીએસ બસ સ્ટેન્ડ પર ફરિયાદી કંડક્ટર જ્યારે ફરજ પર હતા, ત્યારે મહિલા બુરખો પહેરીને તેના એક મિત્ર સાથે ત્યાં પહોંચી હતી.
‘તેં મારી સાથે સંબંધ કેમ તોડી નાખ્યો?’ તેમ કહી તકરાર કર્યા બાદ, મહિલાએ પોતાની પાસે રાખેલું ઘાતક એસિડ ફરિયાદી પર ફેંકી દીધું હતું. આ ભયાનક હુમલામાં ફરિયાદીની આંખ, પીઠ અને ગુપ્ત ભાગો ગંભીર રીતે દાઝી ગયા હતા, અને લાંબી સારવાર બાદ પણ તેમની એક આંખની દ્રષ્ટિ નબળી પડી ગઈ હતી. આ અંગે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
કાર્યવાહી દરમિયાન બચાવ પક્ષે એવી દલીલ કરી હતી કે, હુમલાખોર મહિલા બુરખામાં હોવાથી તેની ઓળખ સ્પષ્ટ થતી નથી અને ગુનાના સમયે તેનું ફોન લોકેશન પણ ત્યાંનું નથી. વધુમાં, ફરિયાદીને અન્ય કોઈ યુવતી સાથે સંબંધ હોવાથી આ ખોટી ફરિયાદ કરાઈ હોવાનો દાવો કરાયો હતો.
જાકે, સરકારી વકીલ વિજયસિંહ ચાવડાએ એફએસએલનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો, જેમાં ફરિયાદીના કપડાં અને ઘટનાસ્થળેથી એસિડના અંશો મળી આવ્યા હતા. કોર્ટે બચાવ પક્ષની દલીલો ફગાવી, વૈજ્ઞાનિક પુરાવા અને સાક્ષીઓની જુબાનીને ગ્રાહ્ય રાખીને મહિલાને કડક સજા ફટકારી સમાજમાં દાખલો બેસાડ્યો છે.