અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનના વળતરની માંગ સાથે જિલ્લા કોંગ્રેસે સોમવારે વડીયાથી ‘ખેડૂત સત્યાગ્રહ’ આંદોલનની શરૂઆત કરી છે, જે ૮ નવેમ્બર સુધી જુદા જુદા તાલુકામાં યોજાશે.આંદોલનના પ્રથમ દિવસે પૂર્વ વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી અને પ્રતાપભાઈ દુધાતે ભાજપ અને ‘આમ આદમી પાર્ટી’ પર આકરા પ્રહારો કર્યા હતા. ધાનાણીએ ‘આપ’ અને ‘બાપ’ (ભાજપ) બંનેને એક જ માની પેદાશ ગણાવ્યા હતા.ધાનાણીએ જણાવ્યું કે, ખેડૂતોને વિઘે ૫૦,૦૦૦ રૂપિયાનું નુકસાન થયું છે અને સરકારની માર્ગદર્શિકા મુજબ એક વિઘો પાક ઉતારવા ૧૭,૨૩૫ રૂપિયા ખર્ચ થાય છે. કોંગ્રેસના નેતાઓએ શીંગ અને કપાસના ઝીંડવા માથે ઉપાડી વડીયા મામલતદાર કચેરી પહોંચી દેવા માફી અને તાત્કાલિક સહાયની માંગ કરી હતી.
નુકસાનનું પેકેજ નક્કી કરવાનો અધિકાર ખેડૂતોને છે
કોંગ્રેસ નેતા પરેશભાઈ ધાનાણીએ ગોપાલ ઇટાલિયાને સવાલ પૂછ્યો કે, ખેડૂતોને વિઘે રૂ.૧૭ હજારના ખર્ચ સામે માત્ર રૂ.૮ હજાર મળશે તો શું તમે ‘દાદાના દરબારમાં મુજરો’ કરવા જશો? તેમણે આક્રોશ વ્યક્ત કર્યો કે, ખેડૂતોને વિઘે રૂ.૫૦ હજારનું નુકસાન થયું છે અને પેકેજ નક્કી કરવાનો અધિકાર ખેડૂતોનો છે. ધાનાણીએ ચેતવણી આપી કે, ખેડૂતોને ગીરવે મૂકવાનું કામ કરનારને માફ નહીં કરવામાં આવે.
ભાજપની સરકારમાં ખેત ઉત્પાદનના ભાવ ઘટ્યા, ખાતરના વધ્યા: દુધાત
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતે મનમોહન સિંહ સરકાર અને વર્તમાન સરકારના સમયના ખેત પેદાશ, ખાતર, બિયારણ અને ટ્રેક્ટરના ભાવની સરખામણી કરી. તેમણે જણાવ્યું કે મનમોહન સરકારમાં કપાસના ભાવ રૂ.૧૪૦૦ અને શીંગના ભાવ રૂ.૯૦૦ હતા. તેમણે કહ્યું કે તે સમયના ખેત ઉત્પાદનના ઊંચા ભાવ અને અન્ય વસ્તુઓના નીચા ભાવની સામે આજે સ્થિતિ ઊલટી છે, જ્યાં ખેડૂતોના ઉત્પાદનના ભાવ ઘટે છે અને ખાતરના ભાવ વધે છે. તેમણે સરકારને ખેડૂતોની વેદના સમજવા આ ભાવની સરખામણી કરવા જણાવ્યું હતું.










































