વડિયા તાલુકા મથકે પાંચ વર્ષ અગાઉ મંજૂર થયેલા પશુ દવાખાનાના નિર્માણ માટે હજુ સુધી જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ થઈ નથી. વડિયાના બરવાળા રોડ પર આઈટીઆઈ સામેની જગ્યાએ પશુ દવાખાનું બનાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પરંતુ વર્ષો વીતી જવા છતાં જમીન સંપાદનનું પ્રકરણ પૂર્ણ થતું નથી. નવાઈની વાત એ છે કે તત્કાલીન નાયબ મુખ્ય દંડક તથા વર્તમાન રાજ્યકક્ષાના મંત્રીએ સ્થળ નિરીક્ષણ કર્યાને પણ ત્રણ વર્ષ જેટલો સમય વીતી ગયો છે. તેમ છતાં પશુપાલકોને અધ્યતન પશુ દવાખાનાની સુવિધા મળી નથી. વિકસિત અને ડીઝીટલ ગુજરાતમાં સરકારી કામગીરી આંગળીના ટેરવે થતી હોવાના દાવા વચ્ચે એક પશુ દવાખાના માટે પાંચ વર્ષથી વધુ સમય લાગતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. જમીન સંપાદનમાં વિલંબ માટે જવાબદાર કોણ અને કાર્યવાહી ક્યારે થશે તે ચર્ચાનો વિષય બન્યો છે. તટસ્થ તપાસ કરી ઝડપી કાર્યવાહી સાથે દવાખાનું બનાવવાની લોકમાંગ ઉઠી છે.






































