ગીર ગઢડા તાલુકાના ફુલકા ગામમાં બપોરના સમયે ઘરની ઓસરીમાં પરિવારની હાજરીમાં રમતી બે વર્ષની બાળકી નાયરા શિવાભાઈ વાઘેલા પર અચાનક શ્વાને હુમલો કર્યો હતો. બાળકીના મોટાબાપા ધીરુભાઈ વાઘેલા તેમજ તેમના પિતા તાત્કાલિક શ્વાન પાછળ દોડી ગયા અને પથ્થર ફેંકી બાળકીને છોડાવી હતી. લોહીલુહાણ હાલતમાં બાળકીને પ્રથમ ઉના સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. તબીબ વઘાસિયાના જણાવ્યા મુજબ બાળકીના ચહેરા, આંખ અને ગાલ પર ગંભીર ઈજાઓ થતા પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી હતી. શ્વાન હડકાયું હોવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં શ્વાનના હુમલા વધતા તંત્ર દ્વારા શ્વાનોને નિયંત્રણમાં લેવા માંગ ઉઠી છે.




































