લીલીયા મોટા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નીતિનભાઈ આર. ત્રિવેદી દ્વારા તાલુકાના એસ.ટી. બસના વિવિધ પ્રશ્નો બાબતે ગારીયાધાર અને અમરેલી ડેપો મેનેજરને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં મુખ્યત્વે ગારીયાધાર-સોમનાથ એસ.ટી. બસને ફરી શરૂ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ બસ સેવા બંધ થવાથી ગારીયાધાર, મોટા ચારોડીયા, ક્રાંકચ, નાના લીલીયા, મોટા લીલીયા, ગોઢાવદર અને લાલાવદર જેવા ગામોના લોકોને સોમનાથ જવા માટે એકમાત્ર બસ ઉપલબ્ધ ન હોવાથી યાત્રામાં મુશ્કેલી પડી રહી છે. પૂરતા મુસાફરો હોવા છતાં આ બસ બંધ કરાતા નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ, ખરીદી કરનાર અને દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી હોવાથી તેને સત્વરે શરૂ કરવા માંગ કરી છે. વધુમાં, રજૂઆત પત્રમાં જાત્રોડા-અમરેલી (વાયા લીલીયા) બસના સમયમાં પણ ફેરફાર કરવાની માંગણી કરવામાં આવી છે. હાલમાં આ બસ જાત્રોડાથી સવારે ૫ઃ૦૦ કલાકે ઉપડે છે, જેનો સમય બદલીને સવારે ૫ઃ૩૦ કલાક કરવામાં આવે તો સ્થાનિક લોકોને પૂરતો લાભ મળી શકે તેમ છે. આ સમય ફેરફારથી એસ.ટી. તંત્રને આર્થિક ફાયદો થવાની સાથે વિદ્યાર્થીઓને પણ મોટી રાહત થશે તેમ જણાવાયું છે. આ બંને પ્રશ્નોને તાકીદે અમલમાં મૂકવા માટે તાલુકા કોંગ્રેસ પ્રમુખે અમરેલી-ગારીયાધાર ડેપો મેનેજરોને પત્ર પાઠવી રજૂઆત કરી છે.










































