લાઠી તાલુકાના ઇંગોરાળા ગામે પશુપાલકોને પશુ આરોગ્ય સુવિધા સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુસર અંદાજીત રૂ.૪૦ લાખના ખર્ચે નવા પશુ દવાખાનાના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સાંસદ ભરતભાઇ સુતરીયા અને ધારાસભ્ય જનક તળાવિયાના હસ્તે આ ભવનની વિધિવત ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થઈ હતી. આ પ્રસંગે સાંસદ ભરતભાઇ સુતરીયાએ જણાવ્યું હતું કે, નવા પશુ દવાખાનામાં આધુનિક સુવિધાઓ, સારવાર રૂમ અને રસીકરણની વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે, જેનાથી પશુઓના મત્યુદરમાં ઘટાડો થશે. ધારાસભ્ય જનક તળાવિયાએ ઉમેર્યું હતું કે, પશુઓના આરોગ્યના સંરક્ષણથી પશુપાલકોની આવક વધશે અને ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બનશે. કાર્યક્રમમાં સરપંચ, તાલુકા પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અત્યાર સુધી પશુ સારવાર માટે દૂર જવું પડતું હતું, પરંતુ હવે ગામમાં જ સુવિધા મળતા પશુપાલકોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. તંત્ર દ્વારા આ નિર્માણ કાર્ય નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે જરૂરી દેખરેખ રાખવામાં આવશે.









































