રાજુલા શહેરમાં મોડી રાત્રિના અંધારામાં ચોરી જેવા મિલકત વિરોધી ગુનાને અંજામ આપવાના ઈરાદે લપાતો-છુપાતો આંટાફેરા મારતો એક શકમંદ શખ્સ પોલીસની ઝપટે ચડી ગયો હતો. મળતી વિગતો અનુસાર, રાત્રિના સમયે પેટ્રોલિંગ દરમિયાન બંધ દુકાનોની આસપાસ અયુબભાઈ ઉર્ફે મસ્તાન રજાકભાઈ ચોકીયા (ઉં.વ.૨૫) નામનો શખ્સ શંકાસ્પદ હાલતમાં આંટાફેરા મારતો અને દુકાનોના તાળાં ફંફોળતો નજરે પડ્‌યો હતો. પોલીસ ટીમે તેને અટકાવી મોડી રાત્રે ત્યાં હાજર રહેવા અંગે પૂછપરછ કરતાં તે કોઈ સંતોષકારક ખુલાસો કરી શક્યો નહોતો. કોઈ ગંભીર મિલકત સંબંધી ગુનો આચરવાના બદઈરાદાથી રખડતો-ભટકતો મળી આવતાં પોલીસે આ શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરી તેની અટકાયત કરી છે.