રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જમીનના ગેરકાયદે ઉપયોગ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખેતીની જમીનનો બિનખેતી મંજૂરી વિના અથવા મંજૂર શરતોના ઉલ્લંઘન કરીને કોમર્શિયલ ઉપયોગ કરનારાઓ સામે તંત્રએ કડક પગલાં લીધા છે.રાજકોટ જિલ્લામાં ૨૫ માર્ચ ૨૦૨૬થી ૧૬ જુલાઈ ૨૦૨૬ દરમિયાન શરતભંગના કુલ ૧૮ કેસ નોંધાયા છે. આ તમામ કેસોમાં જિલ્લા તંત્ર દ્વારા કુલ રૂ.૨.૧૮ કરોડથી વધુનો દંડ ફટકારવાનો હુકમ કરવામાં આવ્યો છે.જિલ્લા વહીવટી તંત્રની તપાસમાં સામે આવ્યું છે કે ખેતીની જમીનો પર બિનખેતીની મંજૂરી લીધા વગર હોટલ, પાર્ટી પ્લોટ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ઓઈલ મિલ સહિતના કોમર્શિયલ ઉપયોગ શરૂ કરવામાં આવ્યા હતા.રાજકોટ શહેરમાં શરતભંગના બે મહત્વના કેસ સામે આવ્યા છે. જેમાં યુનિવર્સિટી રોડ વિસ્તારમાં આવેલી ખેતીની જમીન પર તન્ના સ્પોર્ટ્સ એકેડમી શરૂ કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.ખેતીની જમીન નો મંજૂરી વગર વ્યાવસાયિક ઉપયોગ કરાતા તંત્ર દ્વારા એકેડમીને રૂ.૩૩.૧૨ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજકોટ દક્ષિણ વિસ્તારમાં ખેતીની જમીનનો કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવતા સૌથી વધુ રૂ.૪૮.૫૦ લાખનો દંડ વસૂલવાનો આદેશ કરવામાં આવ્યો છે.
જિલ્લા વહીવટી તંત્રના આંકડા મુજબ રાજકોટ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ ૩,૦૭,૧૫૪ ચોરસ મીટર ખેતીની જમીન નો નિયમ વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન જમીનનો ઉપયોગ પાર્ટી પ્લોટ, હોટલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ઓઈલ મિલ અને અન્ય બાંધકામ માટે કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું.રાજકોટ જિલ્લા કલેક્ટર ડા. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે લેન્ડ રેવન્યુ કોડની કલમ ૬૫ અને ૬૬ હેઠળ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.






































